સાર્થક પ્રકાશન ગુજરાતી લેખન-પત્રકારત્વ ક્ષેત્રે આગવી મુદ્રા ધરાવતા ત્રણ મિત્રો દીપક સોલિયા, ઉર્વીશ કોઠારી અને ધૈવત ત્રિવેદીની સહિયારી વ્યાવસાયિક પ્રકાશન સંસ્થા છે. સારા વાચનની ભૂખ સંતોષવી અને સુરુચિ પોષવી- ઘડવી એ સાર્થક પ્રકાશનનો મુખ્ય આશય છે. સાર્થક પ્રકાશનના નેજા હેઠળ દર વર્ષે વિવિધ વિષયોનાં ચુનંદાં પુસ્તકો પ્રકાશિત કરવાનો ખ્યાલ છે. ’સાર્થક’ દ્વારા પ્રકાશિત પ્રત્યેક પુસ્તકની ગુણવત્તા ટકોરાબંધ રહે એ પડકાર પણ છે અને અમારું લક્ષ્ય પણ.

 

Dipak Siloyaદીપક સોલિયા- ગુજરાતી પત્રકારત્વમાં બે દાયકાથી વધુનો અનુભવ ધરાવતા દીપક સોલિયા ’અહા જિંદગી’ માસિકના સંપાદક અને ’દિવ્ય ભાસ્કર’માં ’અંતર્યાત્રા’, ’સો વાતની એક વાત’ તથા અત્યારે ’કળશ’ પૂર્તિમાં આવતી ’ક્લાસિક’ કોલમથી વધુ જાણીતા છે. અઘરામાં અઘરી વાતને એકદમ સરળતાથી, સોંસરવી રીતે રજૂ કરી શકવાની દીપકની ક્ષમતા કાબિલેદાદ છે.

 

 

 

 

UrvishKothariઉર્વીશ કોઠારી- અઢાર વર્ષથી પત્રકારત્વ-લેખનમાં સક્રિય ઉર્વીશ કોઠારી ’ગુજરાત સમાચાર’માં અઠવાડિયામાં ત્રણ સાવ જુદા વિષયો-પ્રકારોની કોલમ લખે છેઃ રવિપૂર્તિમાં ’નવાજૂની’, ’શતદલ’માં ’બોલ્યુંચાલ્યું માફ’ અને મંગળવારના તંત્રીપાને ’દૃષ્ટિકોણ’. આ ઉપરાંત જૂનું ફિલ્મસંગીત, કાર્ટૂનકળા, જૂનાં સામયિકો જેવા રસના વિષયોમાં અને ૨૦૦૩થી ’દલિતશક્તિ’ના સંપાદક તરીકે સક્રિય છે.

 

 

DhaivatBestધૈવત ત્રિવેદી- ઓફશોર એન્જિનિયરિંગની ધીકતી કારકિર્દી છોડીને વાચન-લેખનના શોખના ક્ષેત્રને વ્યવસાય તરીકે અપનાવનાર ધૈવત ત્રિવેદી ’ગુજરાત સમાચાર’માં રોજિંદી કટાર ’ન્યૂઝ ફોકસ’ અને ’શતદલ’માં ’અલ્પવિરામ’ કોલમ સહિતની અનેકવિધ જવાબદારી સંભાળે છે. ’લાઇટહાઉસ’થી તેમણે નવલકથાલેખનમાં વાજતેગાજતે પ્રવેશ કર્યો છે. તેમની અગાઉની કોલમ ’વિસ્મય’ અને ’વિવર્તન’ હજુ પણ વાચકો યાદ કરે છે.

 

 

 

આ ઉપરાંત કાર્તિક શાહ, અપૂર્વ આશર, પ્રણવ અધ્યારુ, બિનીત મોદી, આશિષક કક્કડ, કેતન રૂપેરા, કિરણ કાપૂરે સહિત અનેક મિત્રોનો બિનશરતી સ્નેહ ’સાર્થક પ્રકાશન’ના પાયામાં છે.