તા. 6 એપ્રિલ, શનિવાર

 

બપોરે 3.30 વાગ્યે

આમ તો શનિવારે બપોરે સરકારી ઓફિસો બંધ થવા લાગે એ સાથે આશ્રમ રોડનો વીક-એંડ શરૂ થઇ જાય. પહોળા રસ્તાઓ ટ્રાફિક વિનાના સન્નાટામાં સોમવારની રાહ જોતાં સુસ્તાવા લાગે.

પણ એ દિવસે ભરબપોરે અમદાવાદના દરેક રસ્તાઓ પરથી સરકતા વાહનો આશ્રમ રોડ પર ખડકાઇ રહ્યા હતાં અને હકડેઠઠ ટ્રાફિક જામમાં ઠાંસોઠાંસ ભીંસાતો બેબાકળો હોર્નની ચિચિયારીઓથી ત્રાસી રહ્યો હતો.

લક્ઝરી બસ ભરી- ભરીને  ગુજરાતભરમાંથી આશરે એક લાખ માણસો ભારતીય જનતા પક્ષના સ્થાપના દિવસની ઉજવણી માટે ઉમટ્યા હતાં. ચિક્કાર ટ્રાફિકને ખાળવા બહારગામથી આવતી તમામ બસને સાબરમતીના કાંઠે પાર્ક કરાતી હતી.

– બરાબર એ જ સ્થળની પાછળ, જ્યાં ત્રણ લેખકમિત્રો દિપક સોલિયા, ઉર્વીશ કોઠારી અને ધૈવત ત્રિવેદીની પ્રકાશન-સંસ્થા સાર્થક પ્રકાશનનો આજે એ સમયે લોકાર્પણ-કાર્યક્રમ હતો.

સ્થળ- રા.વિ. પાઠક હોલ, ગુજરાતી સાહિત્ય પરિષદ

આજે જેમનું લોકાર્પણ થવાનું હતું એ ચાર પુસ્તકો :

લાઇટહાઉસ- ધૈવત ત્રિવેદી

સરદાર- સાચો માણસ, સાચી વાત- ઉર્વીશ કોઠારી

ગાતા રહે મેરા દિલ- સલિલ દલાલ

ગુઝરા હુઆ ઝમાના – કૃષ્ણકાંત (સંપાદન:  બિરેન કોઠારી)

 

સાંજે 3 વાગ્યે-

ચિંતાતુર ચહેરે હોલના પ્રાંગણમાં સાર્થક પ્રકાશન  દ્વારા આજે વિમોચિત થઇ રહેલાં ચાર પુસ્તકોના ફ્લેક્સિઝ મૂકાયા. પુસ્તકોનો સ્ટોલ ગોઠવાયો. પીવાના પાણીની બોટલ લઇને નીકળેલું વાહન ટ્રાફિકમાં અટવાયું છે. કાર્યક્રમ પછી ભોજનની વ્યવસ્થા કરનારા લોકોનો સંપર્ક થતો નથી. મહેમાનો ય રસ્તામાં જ ક્યાંક ફસાયા છે. વડીલ હાસ્યલેખક રતિલાલ બોરિસાગરને લેવા કંઇ રીતે જવું તેની અવઢવ છે. રસ્તાઓ બ્લોક કરાયા છે. રિક્ષાઓ આશ્રમ રોડ પર આજે પ્રતિબંધિત છે. છેવટે મિત્ર આશિષ કક્કડ રિવરફ્રંટના રસ્તે રોંગ સાઇડમાંથી  ચિક્કાર ટ્રાફિક વીંધીને રતિલાલ સાહેબને લેવા નીકળે છે.

 

4.30 વાગ્યે-

વી.એસ. હોસ્પિટલથી વાડજ સુધી લંબાતા આશ્રમ રોડ પર બમ્પર ટુ બમ્પર ટ્રાફિક વચ્ચે આમંત્રિત સ્વજનો સાહિત્યપ્રેમીઓ અને વડીલ મહેમાનો કેવી રીતે સ્થળ સુધી પહોંચશે  તેનીએ ચિંતામાં સૌના ચહેરા પર તણાવ હતો. ખુદ આયોજકો જ જ્યાં  જગ્યા મળી ત્યાં પોતાના વાહનો રેઢાં મૂકીને, હોર્ન ગજાવતી ગાડીઓ  વચ્ચેથી જગ્યા કરીને, આશ્રમ રોડની રેલિંગ કૂદીને માંડ હોલ સુધી પહોંચ્યા હોય એવામાં આમંત્રિતો તો કેમ આવશે એવો સવાલ સ્વાભાવિક હતો.

 

સાંજે 5.30 વાગ્યે-

“સાહિત્ય પરિષદ પ્રમુખ થયા પછી પરિષદમાં પહેલી વાર આવ્યો ત્યારે ય ન્હોતી થઇ એટલી ખુશી આજે થાય છે. આજે આટલો ટ્રાફિક વટાવીને અહીં પ્રવેશ કર્યો એ વિજયપ્રવેશ જેવું લાગે છે.“

મુરબ્બી હાસ્યલેખક વિનોદ ભટ્ટે ગાડીમાંથી ઉતરતા વેંત વિનોદ-સહજ વિનોદ કરીને સૌને હસાવી દીધા. સતત તંગદિલી પછીની એ પહેલી હળવાશ હતી.

– અને પહેલું આગમન પણ.

 

સાંજે  6 વાગ્યે –

સાહિત્ય પરિષદનો દરવાજો વટાવતા દરેક આગંતુકની આંખોમાં હાશકારાનો ભાવ વર્તાય છે… “હાશ, માંડ પહોંચ્યા!” વિનોદ ભટ્ટ અને તેમના પત્ની નલિનીબહેન હોલની પહેલી હરોળમાં બેઠક લઇ ચૂક્યા છે. આજના કાર્યક્રમના મુખ્ય (અને એકમાત્ર વક્તા) મુરબ્બી નગેંન્દ્ર વિજય સાથે તેમના ચાહકો તસવીરો ખેંચાવી રહ્યા છે. મુરબ્બી પ્રકાશ ન. શાહ ખડખડાટ હાસ્ય સાથે સમર્થ વાર્તાકાર રજનીકુમાર પંડ્યાને કશુંક કહી રહ્યા છે. તેમ્ની વાતનો વિષય ચોક્કસપણે આજનો ટ્રાફિકજામ અને તેનું કારણ જ હોવાનો. હોલ ખાસ્સો ભરાઇ ચૂક્યો છે. સ્ટેજ પર ફક્ત છ ખુરશી, એક સાદું ટેબલ અને પાછળ સાર્થક પ્રકાશનનું બેનર. ખૂણામાં મૂકેલા પોડિયમ પર હાથ ટેકવીને (હંમેશની આદત મુજબ) છેલ્લી ઘડીએ તૈયાર કરેલી નોંધના પીળા પાના ફરકાવતા મિત્ર પ્રણવ અધ્યારૂ સજ્જ થઇ ચૂક્યા છે. છ ના ટકોરે કાર્યક્રમ શરૂ કરી દેવાની તેમની નેમ દાઢી બોડાવ્યા પછીના તેમના ચકચકતા ચહેરા પર વર્તાય છે. બેક સ્ટેજમાં મિત્રો વિશાલ પાટડિયા, લલિત ખંભાયતા, કેતન રૂપેરા દબાતા પગલે ચહલ-કદમી કરી રહ્યા છે.

 

સાંજે સવા છ વાગ્યે-

હોલના દરવાજામાં ડોકિયું કરીને ધૈવત ત્રિવેદી પહેલી હરોળ આસપાસ જામેલાં ટોળાને આંખ વડે ફંફોસે છે. ઉર્વીશ કોઠારી સફારીના સંપાદક હર્ષલ પુષ્કર્ણા સાથે વાતો કરી રહ્યા છે. પહેલી હરોળના ડાબા ખૂણે દિવ્ય ભાસ્કરની અમદાવાદ આવૃત્તિના તંત્રી મનીષ મહેતા, દિવ્ય ભાસ્કરની વેબ આવૃત્તિના તંત્રી રાજ ગોસ્વામી, ગુજરાત સમાચારના વરિષ્ઠ પત્રકાર-કટારલેખક ભવેન કચ્છી, કિશોર પાઠક યજમાન દિપક સોલિયાને હોંશીલા ચહેરે અભિનંદી રહ્યા છે. વરિષ્ઠ તસવીરકાર ઝવેરીલાલ મહેતા, જાણીતા તબીબ અને વિજ્ઞાનલેખક ડો. સુશ્રુત પટેલ તેમજ વિનોદ ભટ્ટ વચ્ચે ‘તને સાંભરે રે.. મને કેમ વિસરે રે” જેવી નોસ્ટાલ્જિક ગોષ્ઠી ચાલી રહી છે. નાટ્યકાર નિમેષ દેસાઇ, નવલકથાકાર મહેશ યાજ્ઞિક, સાર્થક પ્રકાશનના સાહસમાં મહત્ત્વના  આધારરૂપ ડિઝાઇનર અપૂર્વ આશર , સાઇબર સફરના સંપાદક અને પત્રકાર મિત્ર હિમાંશુ કિકાણી, નવજીવન પ્રકાશનના અધ્યક્ષ અને જાણીતા તસવીરકાર વિવેક દેસાઇ ત્રીજી-ચોથી હરોળમાં ગોઠવાઇ ચૂક્યા છે. હોલ પેક થઇ ગયા પછી હવે ગેંગ-વે પણ ભરાવા લાગ્યો છે. જાણીતા અભિનેતા નિસર્ગ ત્રિવેદી અને અભિયાન સામાયિકના સંપાદક બિનીતાબહેન પણ ગેંગ-વેના પગથિયા પર બેસી ગયા છે.

માઇકમાં પ્રણવ અધ્યારુનો સ્વર રણકે છે…

”સાર્થક પ્રકાશન ઉત્સવની આ સાર્થક સાંજે આપ સૌનું હાર્દિક સ્વાગત છે…….”

 

6 અને 20 થઇ છે. આટ-આટલી આકસ્મિક છતાં ય માત્ર  20 મિનિટ મોડો શરૂ થયેલો કાર્યક્રમ વાચકો, મિત્રો, શુભેચ્છકો, વડીલો અને પરિવારજનોના ચહેરા પર છલકાતો ઉમળકો જોતાં મોળો તો નહિ જ પડે તેની સૌની ખાતરી છે.

 

સાધારણ રીતે કાર્યક્રમ હોય એટલે ઔપચારિકતાઓની ભરમાર હોય, ભારતના બંધારણમાં જાણે નિર્દેશ આપવામાં આવ્યા હોય તેમ ફરજિયાત ફૂલહારથી સ્વાગત થાય, પ્લાસ્ટિકીયા સ્મિત વેરાય, બીબાંઢાળ અને દોઢડાહ્યું (અથવા સ્ત્રૈણ)  સંચાલન થાય, આયોજકો પોતે કરેલા ખર્ચને વસૂલવા મહાન દેખાવાની હોંશથી છલકાતા સ્ટેજની વચ્ચે બિરાજમાન હોય અને મહેમાનોથી ય સવાયા સાબિત થવા મથતા હોય. આ કાર્યક્રમ સદંતર વેગળો હતો. કોઇ જ ઔપચારિકતા વગર આમંત્રિત મહેમાનો પ્રકાશ ન. શાહ, રજનીકુમાર પંડ્યા, રતિલાલ બોરીસાગર, વિનોદ ભટ્ટ, હર્ષલ પુષ્કર્ણા અને નગેન્દ્ર વિજયને સંચાલક પ્રણવ અધ્યારુએ સ્ટેજ પર આમંત્રિત કર્યા. સ્ટેજ પર ટેબલ-ખુરશીની સાદી ગોઠવણમાં તેમણે બેઠક લીધી. આયોજક દિપક સોલિયા, ઉર્વીશ કોઠારી, ધૈવત ત્રિવેદી બેક સ્ટેજ વિંગ પાસે ખાસ્સા પાછળ સાદી ખુરશી પર ગોઠવાયા.

કાનમાં ખંજવાળ લાવી દેતી ચવાઇને  ચૂથ્થો થઇ ગયેલી “હતા મહેમાન એવા કે ઉતારા દોડતા આવ્યા….” પ્રકારની શેરોશાયરીની ભરમાર વિના પણ સંચાલન કેટલું સહજ, કેટલું સભર હોઇ શકે તેનું પ્રણવ અધ્યારૂએ યાદગાર ઉદાહરણ આપ્યું. હળવાશ તો પૂરેપૂરો પ્રણવસિધ્ધ જ. એક ઉદાહરણ………

“આ ત્રણેય લેખક મિત્રોએ પ્રકાશક બનવાનું નક્કી કર્યુ ત્યારે સૌએ ખુશી વ્યક્ત કરી પણ કેટલાંક એવા ય હતા જેમને ટેંશન થઇ આવ્યું હતું. એ ત્રણ વ્યક્તિ એટલે હેતલ દેસાઇ (દિપક સોલિયા પત્ની) . સોનલ કોઠારી (ઉર્વીશ કોઠારીના પત્ની) અને સ્વાતિ શાહ (ધૈવત ત્રિવેદીના પત્ની)”

 

આટલા પરિચય અને પ્રાથમિક પૂર્વભૂમિકા બાંધ્યા પછી પ્રણવે કાર્યક્રમની પહેલી વિશેષતાનો આરંભ કર્યો. સાધારણ રીતે પુસ્તકોનું વિમોચન હોય એટલે રૂપકડા કાગળોમાં વિંટાળેલા પુસ્તકો મંચસ્થ મહાનુભાવો ખોલે અને દર્શકોની સામે ધરે. અહીં એવી ઔપચારિકતા સ્થાને વિમોચક હતા એક વાચક. વાચક જ અમારા પુસ્તકોના વિમોચનકર્તા એવી અગાઉ થયેલી જાહેરાત મુજબ આગોતરા ગ્રાહકોની સૂચિમાંથી ચિઠ્ઠી ખેંચવામાં આણંદના કિરણ જોશીને પ્રતીકાત્મક લોકાર્પણ થયું.

આજનું મુખ્ય આકર્ષણ હતા કાર્યક્રમના એકમાત્ર વક્તા નગેન્દ્ર વિજય લેખક તરીકે જેટલા જાણીતા છે, જેટલા લોકપ્રિય છે એટલાં જ તેમના અનેક ચાહકો માટે અજાણ્યા પણ છે. દાયકાઓથી તેમને  નિયમિતપણે વાંચતા સેંકડો વાચકો એવા હશે જે આજે પહેલીવાર પોતાના પ્રિય લેખને વક્તા તરીકે પણ પોતાનું વિશિષ્ટ લેખકપણું જાળવી રહ્યા. સહેજ પણ લોકરંજક સસ્તાપણું દાખવ્યા વિના બિલકુલ સફારીના લેખોની માફક તેમણે ગંભીર વાત છેડી અને સફારીના લેખોની માફક જ એટલી સહજ રીતે રજૂ કરી કે શ્રોતાઓ મટકું ય માર્યા વિના તેમને સાંભળતા રહ્યા.

 

લેખક પોતે જ પ્રકાશક બને ત્યારે કેટકેટલા અવરોધો આવે, ક્યારે લેખક તરીકે દૃઢતા રાખવી પડે અને ક્યારે પ્રકાશક તરીકે મક્કમ બનવું પડે એવી દરેક વાતો તેમણે પોતાના પાંચ દાયકાના કઠોર અને સિદ્ધ  અનુભવોના દૃષ્ટાંતો સાથે બહુ જ નિખાલસતાથી રજૂ કરી. સફારીની આજે વર્તાતી ઉજ્જવળ સફળતા પાછળ કેટલી આકરી મહેનત, નિષ્ઠા અને મૂલ્યો પ્રત્યેની જીદ કારણભૂત છે તેની દૃઢ પ્રતીતિ નગેન્દ્ર વિજય સ્વમુખે અને મૌર્ય ઘરાણાના ઉચિત વારસ હર્ષલ પુષ્કર્ણાની હાજરીમાં કદાચ પહેલીવાર આટલાં શ્રોતાઓએ અનુભવી . કેટલાંય ઉપસ્થિતો માટે એ ક્ષણ જીવનભરનું સંભારણું બની રહેશે.

જે પોતે સિદ્ધ લેખકો છે, વક્તાઓ છે. જેમને પોતાને સાંભળવા ય ટોળા ઉમટે છે એવા વિનોદ ભટ્ટ. પ્રકાશ ન. શાહ, રજનીકુમાર પંડયા અને રતિલાલ બોરીસાગર જેવા મહાનુભાવો એક મિનિટનું ય વક્તવ્ય આપ્યા વિના માત્ર આશીર્વાદસૂચક હાજરી પૂરતા જ મંચસ્થ થાય એ બાબત પણ સાર્થક પ્રકાશન પ્રત્યેનો તેમનો પ્રેમાળ અનુગ્રહ સૂચવતી હતી.

 

એક માત્ર વક્તવ્ય પછી સંચાલક પ્રણવ અધ્યારૂએ દિપક, ઉર્વીશ અને ધૈવત ઉપરાંત સાર્થક પ્રકાશનના વ્યવહારૂ પથદર્શક કાર્તિક શાહ તેમજ આજે રજૂ થઇ રહેલા પુસ્તક ગુઝરા હુઆ ઝમાનાના સંપાદક બીરેન કોઠારીને સ્ટેજ પર આમંત્રિત કર્યા. મંચસ્થ મહાનુભાવો અને સાર્થક પ્રકાશનના સૂત્રધારોએ આજે લોકાર્પણ થયેલા ચારે ય પુસ્તકોના ફ્લેક્સિઝ પ્રદર્શિત કર્યા એ સાથે કંઇ-કેટલાય કેમેરાની ફ્લેશ ઝબકી ઊઠી અને ફ્લેશના એ દુધિયા ઝબકારામાં વાચક અને લેખકને શબ્દની પુસ્તક સાથે જોડતી એ ક્ષણ શાશ્વત બની ગઇ.

 

કાર્યક્રમનો બીજો હિસ્સો સાર્થક-મંડળીના મસ્તીખોર મિજાજને છાજે એવો હતો. ગુરૂવર્યો મંચ પરથી વિદાય લઇને દર્શકોની વચ્ચે જગ્યા લીધી એ સાથે જાણે સ્ટેજના ભોંયરામાંથી પ્રગટ્યા હોય તેમ કેટલાંય મિત્રો સ્ટેજ પર હાજર થઇ ગયા. ખુરશી-ટેબલના સ્થાનફેર થવા લાગ્યા. આયોજકો ય એ ફેરબદલમાં જોડાયા. ચપટવારમાં તો સ્ટેજનો હુલિયો બદલાઇ ગયો. પ્રકાશકધર્મ સમજાવતા નગેન્દ્ર વિજયના ગંભીર પ્રવચન પછી હળવાશ પ્રસારતો એ કાર્યક્રમ હતો મોક પ્રેસ કોન્ફરંસ. જેમાં પત્રકારની ભૂમિકામાં બેઠેલા મિત્રો સાર્થક પ્રકાશનના ત્રણે ય લેખકો દીપક, ઉર્વીશ અને ધૈવત તેમજ ચોથા પુસ્તકના સંપાદક બીરેન કોઠારીને ગુગલી, યોર્કર, બાઉન્સરાને દુસરા વડે મૂંઝાવવાના હતા અને ચારેય લેખકો પોતપોતાની રીતે હાર્ડ હિટિંગ કરીને સિક્સરો મારવાના હતા. સવાલ-જવાબના હળવાશભર્યા આ પ્રણવપ્રેરિત પ્રકારનો હેતુ લાંબા-લાંબા ભાષણો ટાળવા છતાં વાચકોના મનમાં ઊઠતાં સવાલોના જવાબ વાળવાનો હતો. રા.વિ,પાઠક હોલના એકેએક ઇંચમાંથી ઊઠતા રહેલાં ખડખડાટ હાસ્યના ઠહાકા વચ્ચે એ હેતુ આબાદ સિદ્ધ થયો.

 

મહિલા કોલેજ, નડિયાદના પ્રિન્સિપાલ હસિત મહેતા, ગુજરાત સમાચારના પત્રકાર લલિત ખંભાયતા, સંદેશના પત્રકાર મિત્રો દિવ્યેશ વ્યાસ, તેજસ વૈદ્ય, દિવ્ય ભાસ્કર વેબસાઇટના વિશાલ પાટડિયા તથા પુનિતા નાગર-વૈદ્ય, વડોદરાથી આવેલા પત્રકાર-અનુવાદક ક્ષમા કટારિયા, પત્રકાર કિરણ કાપૂરે, નવજીવન મુખપત્રના સંપાદક કેતન રૂપેરા, સેપ્ટના પ્રાધ્યાપક ઋતુલ જોશી, વાચક મટીને મિત્ર બની ચૂકેલા માનસશાસ્ત્રી મેઘા જોશી અને આઇ.ટી એંજિનિયર શર્મિલી પટેલ, પત્રકારત્વના વિદ્યાર્થીઓ શૈલી ભટ્ટ, માનસી મૂલિયા, માનસી શાહ એંડ અબોવ ઓલ સ્વનામધન્ય બિનીત મોદી.

 

આવા પત્રકારો હોય અને પી.આર.એજન્સીના સંચાલક ભૂમિકામાં રીઢા આશિષ કક્કડ હોય ત્યારે જે થવું જોઇએ એ જ થયું. તોફાની સવાલો અને ગમ્મતમાં લપેટાયેલા અર્થસભર જવાબો, લેખકોને વળી પ્રકાશક થવાના ઓરતા શેં જાગ્યા, દિપક સોલિયાનું પુસ્તક ક્યારે, અન્ય લેખકોના પુસ્તકોનું પ્રકાશન કરશે કે કેમ, હવે પછીનું આયોજન શું હશે, પ્રકાશન માટે પુસ્તક પસંદગીની પ્રક્રિયા કેવી રીતે હશે વગેરે જેવા અણિયાળા અને આવશ્યક તમામ સવાલોના જવાબો હળવાશના માહોલમાં પૂરેપૂરી ગંભીરતાથી અપાતા ગયા. કંટાળાજનક ભાષણો નિવારીને મોક પ્રેસ કોંફરન્સના માધ્યમથી ઉત્સુકતા સંતોષવાનો આ કિમિયો આબાદ નીવડ્યો.

 

સત્તાવાર રીતે સાર્થક પ્રકાશન ઉત્સવનો કાર્યક્રમ અહીં પૂર્ણ થતો હતો પણ વાચક અને લેખકનો, વાચક અને વાચકનો, લેખક અને લેખકનો પરસ્પરને મળવાનો ઓચ્છવ અહીંથી શરૂ થતો હતો. ફેસબુકના માધ્યમથી પરસ્પર સંપર્કમાં હોય પણ કદી રૂબરૂ મળ્યા ન હોય એવા વાચકો એકમેકને મળીને ઉલ્લાસ વ્યક્ત કરી રહ્યા હતા. નગેન્દ્ર વિજય, રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, રતિલાલ બોરિસાગર, પ્રકાશ ન. શાહ જેવા વરિષ્ઠોને મળીને ચાહકો તસવીરો ખેંચાવી રહ્યા હતા. હોલની બહાર કાઉન્ટર પર પુસ્તકો ખરીદવા ભીડ જામી હતી. બગીચાની લોનમાંથી પાંઉભાજીની સોડમ હવામાં ફેંકાવા લાગી હતી પણ શબ્દની સુગંધ આજે એટલી બળકટ હતી કે ક્યાંય સુધી હોલમાં જ. બુક્સના કાઉન્ટર પાસે, લોન ભણી જતી પગદંડી આસપાસ અને છેવટે પાંઉભાજી-પુલાવની ડિશ હાથમાં ઊંચકીને (અને ખરીદેલા પુસ્તકો બગલમાં દબાવીને) વાચકો, ચાહકો, ભાવકો, અને લેખકો પરસ્પર વિંટળાયેલા જ રહ્યા.

 

રાત્રે સાડા અગિયાર વાગ્યે ગુજરાતી સાહિત્ય પરિષદના ચોકીદારભાઇએ ત્રીજી વખત તાળા-ચાવીનું ઝૂમખું ખખડાવ્યું ત્યારે નાછૂટકે એક પછી એક વાહનો ઝાંપાની બહાર નીકળ્યા. આશ્રમ રોડ પર પહોંચીને ફરીથી ગાડીઓ ઊભી રહી. બાઇક્સ સ્ટેન્ડ પર મૂક્યા. ફરીથી એ જ હૂંફાળા આલિંગનો અને એ જ “યાર, જલસો પડી ગયો”ના ઉદગાર……

સાધારણ રીતે રવિવારની રાહમાં શનિવારની રાતે આરામથી ઊંઘતો આશ્રમ રોડ, પણ એ વખતે હેલોજન લેમ્પના થાંભલે ચડીને સાહિત્ય પરિષદના પ્રાંગણમાંથી નીકળેલા એક નવા પ્રયાસને, નવા ઉત્સાહને પોરસભેર આવકારતો હતો.