બીજા ભાગના અંતે લખ્યું હતું કે ‘ત્રીજો અને છેલ્લો ભાગ ટૂંકમાં’. હવે આ ત્રીજો ભાગ તો આવ્યો છે, પણ એ છેલ્લો નથીઃ-) હજુ એકાદ ભાગ થશે, પરંતુ ખ્યાલ એવો છે કે પુસ્તકોને બદલે પ્રકાશન ઉત્સવની આગળપાછળની બધી વિગતો વાચકો-મિત્રો સાથે શેર કરવી. એ રીતે આ ફક્ત સમારંભનો નહીં, પણ એથી વધારે દોસ્તીનો દસ્તાવેજ છે. આ સમારંભની પ્રેમથી ફોટોગ્રાફી કરીને અમને અણમોલ ભેટ આપનાર દીપક ચુડાસમા, ઉર્વીન વ્યાસ, લલિત ખંભાયતા અને શશિકાંત વાઘેલાનો વિશેષ આભાર)

1

સાર્થક પ્રકાશન ઉત્સવનો પૂર્ણ મિજાજ (ફોટોઃ શશિકાંત વાઘેલા)

છેક ‘આરપાર’ના સમય(૨૦૦૧-૨૦૦૫)થી બિનપરંપરાગતતા અમારા સમારંભોનો અભિન્ન હિસ્સો રહી છે. તેમાં મિત્ર પ્રણવ અઘ્યારુનો હિસ્સો સરખા ભાગનો કે મોટો ગણવો પડે. ઔપચારિકતા પ્રત્યેનો અમારો અભાવ, જાતના બેશરમ જયજયકાર વિના સરસ કામ કરીને આનંદમગ્ન રહી શકવાની અમારી લાક્ષણિકતા, જુદું વિચારી શકવાની અને તેને અમલમાં મૂકી શકવાની અમારી ક્ષમતા અને અમારાં મસ્તીભર્યાં ‘કાવતરાં’માં ગુરૂજનો તરફથી મળતો હૂંફાળો સહકાર- આ બધાનો સરવાળો અમારા સમારંભોમાં અચૂક પ્રગટતો હોય છે. ‘આરપાર’ના કાર્યક્રમોમાં તેના તંત્રી-માલિક મનોજ ભીમાણી તરફથી મળતી અનેક મોકળાશોની સાથોસાથ કેટલીક ઔપચારિકતાઓ સહજ રીતે ભળી જતાં હતાં. પરંતુ કાર્યક્રમનો સંપૂર્ણ દોર અમારા હાથમાં હોય તો પછી પૂછવું જ શું?

‘આરપાર’માં અમે કરેલા જ્યોતીન્દ્ર દવેના દિવાળી વિશેષાંક (૨૦૦૫)ના ટાગોર હોલમાં યોજાયેલા વિમોચન કાર્યક્રમમાં મંચ પર એક સાથે તારક મહેતા, બકુલ ત્રિપાઠી, વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગરની અભૂતપૂર્વ યુતિ મોજુદ હતી. તેનાં થોડાં વર્ષ પછી મારા હાસ્યલેખોના પુસ્તક ‘બત્રીસ કોઠે હાસ્ય’ (ડિસેમ્બર, ૨૦૦૮, પ્રકાશકઃ ગુર્જર)માં આખો કાર્યક્રમ અમારે જ ડીઝાઇન કરવાનો અને પાર પાડવાનો હતો. મૂળભૂત ખ્યાલ એટલો હતો કે મારા બધા ગુરૂજનો- શક્ય એટલા પ્રિયજનોને કાર્યક્રમમાં સાંકળવા અને ‘ન ભૂતો, ન ભવિષ્યતિ’ પ્રકારનો મેળાવડો મંચ પર કરવો.

પ્રણવે તેના માટે ‘મોક કોર્ટ’નો આઇડીયા આપ્યો. એ વખતે આશિષ કક્કડ અને અભિષેક શાહ જેવા નાટક સાથે સંકળાયેલા મિત્રોનો પરિચય થવો બાકી હતો. ૠતુલ જોશીને મળવાનું બાકી હતું. આજે એકદમ નિકટ એવા બીજા કેટલાક મિત્રો પણ ત્યારે મળ્યા ન હતા. બ્લોગ હતો, પણ ‘ફેસબુક’ ન હતી. ત્યારે અમારી મંડળીમાં પીલવાઇ કોલેજમાં અર્થશાસ્ત્રના અઘ્યાપક અને કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે રહીને પ્રતિબદ્ધતાપૂર્વક નાટકો કરાવનાર મિત્ર કાર્તિકેય ભટ્ટ એકમાત્ર નાટકવાળા મિત્ર હતા.

એ કાર્યક્રમ વિશે વધારે લંબાણથી લખવાનું ટાળું છું, પણ ટૂંકમાં કહું કે પ્રણવ-કાર્તિકેય અને બીજા ઘણા મિત્રોના પ્રતાપે ભરચક ઠાકોરભાઇ દેસાઇ હોલમાં ગુજરાતી સાહિત્યમાં અભૂતપૂર્વ કહેવાય એવો મેળાવડો થયો, જેમાં એક મંચ પર તારક મહેતા, અશ્વિની ભટ્ટ, રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, પ્રકાશ ન.શાહ, રતિલાલ બોરીસાગર, સલિલ દલાલ, ચંદુ મહેરિયા જેવા વરિષ્ઠ ઘુરંધરોથી માંડીને બકુલ ટેલર, દીપક સોલિયા, હસિત મહેતા, પૂર્વી ગજ્જર, આયેશા ખાન, અશ્વિન ચૌહાણ, કેતન રુપેરા અને પ્રણવ-બિનીત જેવા મિત્રો ઉપરાંત બીરેન અને સોનલ હાજર હતાં. હર્ષલ પુષ્કર્ણા, પ્રશાંત દયાળ અને (ઇતિહાસનાં અઘ્યાપક) ફાલ્ગુની પરીખ અનિવાર્ય સંજોગોને કારણે કાર્યક્રમમાં આવી શક્યાં નહીં. આ કાર્યક્રમના અંતે પડેલો- અને ફેસબુકની મારી વૉલ પર લાંબા સમય સુધી ‘કવરફોટો’ તરીકે રહેલો- ગ્રુપફોટો જેટલી વાર જોઉં એટલી વાર શેર લોહી ચડે, એવી એ યાદગીરી છે.

'32 કોઠે હાસ્ય'ની એક નકલના પહેલા પાને મોક કોર્ટના આખા ગ્રુપના હસ્તાક્ષર

’32 કોઠે હાસ્ય’ની એક નકલના પહેલા પાને મોક કોર્ટના આખા ગ્રુપના હસ્તાક્ષર

આટલું ફ્‌લેશબેક લખવાનું કારણ એટલું જ કે ‘સાર્થક’ના કાર્યક્રમમાં રહેલી બિનપરંપરાગતતા અને હળવાશ અમારા માટે સ્વાભાવિક અને સહજ ક્રમનો હિસ્સો હતી. દરેક વખતે તેના પ્રકાર અને અભિવ્યક્તિ બદલાતાં રહે, મજબૂત મિત્રવૃંદમાં સક્ષમ મિત્રોનો સતત ઉમેરો થયા કરે અને તેની સાથે ઔપચારિકતા વગરના કાર્યક્રમોનો દૌર જળવાઇ રહેવો જોઇએ. એવી અમારી ઇચ્છા, ભાવના અને મુદ્રા પણ ખરી.

આ વખતે કાર્યક્રમનું આયોજન અમારી સૌથી છેલ્લી પ્રાથમિકતા હતી. કારણ કે સૌથી પહેલાં સમયસર અને શક્ય એટલી ઉત્તમ રીતે પુસ્તકો થાય એ અગત્યનું હતું. ડીઝાઇનર મિત્ર અપૂર્વ આશર બરાબર કામે (ધંધે) લાગ્યા હતા. ‘મા કોઇની મરશો નહીં અને (પુસ્તકનું ઠેકાણું પડ્યા વિના) હોલ કોઇ બુક કરાવશો નહીં’ એવા અમર બિનીતવાક્યને લક્ષમાં રાખીને ઘણા વખત સુધી કાર્યક્રમની તારીખ નક્કી કરી ન હતી. છેવટે અપૂર્વની સંમતિથી સમારંભની તારીખ નક્કી કરીઃ ૬ એપ્રિલ. વિવિધ હોલ માટે તપાસ કર્યા પછી છેવટે હોલની બાજુમાં મેદાન ધરાવતા સાહિત્ય પરિષદના રા.વિ.પાઠક સભાગૃહ પર પસંદગી ઉતરી. ત્યાં સુધી કાર્યક્રમ પછી ભોજન રાખવાનું નક્કી ન હતું, પણ એવો આછોપાતળો વિચાર હતો. એટલે મેદાનની જોગવાઇ રાખી. બિનીત મોદીએ પોતાના જ સુવાક્યનો અંશતઃ ભંગ કરીને હોલ બુક કરાવી દીધો. સાર્થક પ્રકાશનના એચ.ડી.એફ.સી.ના ખાતામાંથી ફાટેલો એ પહેલો ચેક હતો.

કાર્યક્રમમાં એક માત્ર વક્તા તરીકે નગેન્દ્ર વિજય હશે, એ બીજું કશું નક્કી થયા પહેલાંથી પાકું હતું. હર્ષલે અને નગેન્દ્રભાઇએ પ્રાથમિક સંમતિ આપી દીધી હતી. એ વખતે બે તારીખના વિકલ્પ રાખ્યા હતાઃ ૬ એપ્રિલ અને ૧૩ એપ્રિલ. તેમાંથી ૬ એપિલ નક્કી કર્યા પછી ફરી એક વાર નગેન્દ્રભાઇ અને બીજા ચારેય ગુરુજનોને જાણ કરી દીધી. ત્યાં સુધી આમંત્રણ કાર્ડનું ઠેકાણું ન હતું. કારણ કે આમંત્રણ કાર્ડમાં પુસ્તકનાં ટાઇટલ છાપવાનાં હતાં અને એક ટાઇટલ બાકી હતું.

નગેન્દ્રભાઇના વક્તવ્ય સિવાય બીજું શું થશે, એ નક્કી ન હતું. (શું નહીં થાય, એ તો અમારામાં કાયમ નક્કી હોય જ.) આ વખતે પ્રણવે તેના દિમાગી દાબડામાંથી મોક પ્રેસ કોન્ફરન્સનો આઇડીયા કાઢ્‌યો. એક રીતે એ મોક કોર્ટનું અનુસંધાન લાગે, પણ એ આખો જુદો મામલો થવાનો હતો. એ વખતે જોકે એનો બહુ અંદાજ ન હતો અને ખરું પૂછો તો એના વિશે વઘુ વિચારવાની ફુરસદ પણ ન હતી.

કાર્ડ આવ્યાં એટલે બિનીત મોદીએ મોટા પાયે ડિસ્પેચની જવાબદારી ઉપાડી લીધી. તેનું ઘર બાકાયદા સાર્થક પ્રકાશનની ઓફિસની જેમ ધમધમતું થઇ ગયું. બિનીત-પ્રણવ-ધૈવત અને હું કંકોતરીઓ લખતા હોઇએ એમ બે-ત્રણ આખા દિવસ (બપોરના ચાર-પાંચ કલાક) કાર્ડ લખવામાં પડ્યા. વચ્ચે વચ્ચે શિલ્પા મોદીની મહેમાનગતિ ચાલતી હોય, કાર્ડની વિવિધ યાદીઓ વિશે વાત થતી હોય. કોનાં ડબલ થયાં ને કોનાં રહી ગયાં એના તાળા મેળવાતા હોય અને ‘આપણે પણ જબરો વહીવટ લઇને બેસી ગયા છીએ’ એવો આશ્ચર્યરમૂજમિશ્રિત અહેસાસ પણ થતો હોય.

કાર્ડનો મેરેથોન વહીવટ આટોપાયો અને બે-ત્રણ દિવસમાં કુરિયર તથા પોસ્ટમાં કાર્ડ રવાના થયાં, એટલે ‘સાર્થક’ની ઓફિસ બદલાઇને પ્રણવના રાયપુરના ઘરે પહોંચી. ત્યાં લગીમાં હું મને સૂઝે એટલાં કામની યાદી બનાવતો રહેતો હતો. પ્રણવ અને કાર્તિક શાહ જેવા મિત્રો પણ બરાબર કામે લાગેલા હતા. કાર્યક્રમ ૬ એપ્રિલના રોજ હતો ને ૨ એપ્રિલના રોજ પ્રણવના ઘરે તેની દીકરી દુર્વાના હાથે ‘સાર્થક’ સમારંભના લકી વાચક-ગ્રાહક માટેનો ડ્રો થયો. તેમાં વલ્લભ વિદ્યાનગરના કિરણ જોશીનું નામ ખુલ્યું. ત્યાર પછી પ્રણવના ઘરે કેતન રૂપેરા અને કિરણ કાપુરેની હાજરીમાં, વૈશાલી અઘ્યારુની મજબૂત મહેમાનગતિ સાથે કાર્યક્રમની પાકી રૂપરેખા, વિમોચન કેવી રીતે કરવું અને મોક પ્રેસ કોન્ફરન્સમાં શું કરવાનું એની ચર્ચા શરૂ થઇ.

પ્રણવ, દીપક, ઉર્વીશ (ફોટોઃ કિરણ કાપુરે)

પ્રણવ, દીપક, ઉર્વીશ (ફોટોઃ કિરણ કાપુરે)

અમે મિત્રો મૂળભૂત રીતે ‘મિટિંગબાજી’ના વિરોધી. અનિવાર્ય હોય ત્યારે જ કામ માટે મળવાનું રાખીએ (કામ વિના ગપ્પાં મારવા ગમે ત્યારે મળી શકાય) અને મળીએ એટલે નક્કર પરિણામ સાથે ઊભા થઇએ. (ભૂતકાળમાં કેટલીક મિટિંગ-સંસ્કૃતિઓનો સઘન અનુભવ લીધા પછી અમારામાં ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે આ લાક્ષણિકતા વિકસી છે) પ્રણવને ત્યાં મિટિંગ થઇ ત્યાં સુધીમાં પ્રેસ કોન્ફરન્સમાં કયા મિત્રોને સાંકળવા તેની યાદી ધૈવત અને દીપક સાથે વાત કરીને તૈયાર કરી દીધી હતી. તેમાં મુખ્યત્વે પત્રકારમિત્રો હતા. ઉપરાંત થોડા બીજા પણ ખરા. મારી સાથે એમએમસીજે- સેમેસ્ટર-ટુના ક્લાસમાં ભણતી ત્રણ મિત્રો સહિત પંદરેક જણ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર તરીકે નક્કી થયાં. આશિષ કક્કડ અમારા પી.આર.મેનેજરની ભૂમિકામાં હોય એવું ગોઠવાયું. એ વખતે કાર્યક્રમ આડે માંડ અઠવાડિયું પણ રહ્યું ન હતું.
કાર્યક્રમના પાંચેક દિવસ પહેલાંથી દીપક પણ અમદાવાદ આવી ગયા. પ્રણવને ઘેર અમારા ત્રણ-ચાર મિત્રોની બે બેઠકમાં આખા કાર્યક્રમની ઝીણામાં ઝીણી રૂપરેખા નક્કી થઇ અને આશિષ કક્કડને ત્યાં થયેલી અમારી બેઠકમાં પ્રેસ કોન્ફરન્સના સવાલ ફાઇનલ થઇ ગયા. કોણ સવાલ પૂછશે અને કોણ તેનો જવાબ આપશે, એનું ‘ફિક્સિંગ’ પણ થઇ ગયું. આશય એટલો જ હતો કે અમે ભાષણ ન કરીએ, છતાં લોકોના મનમાં રહેલા ઘણા સવાલના જવાબ મળી જાય, અમારે જે કહેવું છે તે કહી પણ શકાય અને થોડી અમારી ટાંગખિંચાઇ થાય. આખા કાર્યક્રમમાં જે એક વસ્તુ ન હોવાનો અમને બહુ આનંદ હતો તેઃ અમારાં વખાણ.

વહીવટોની યાદીઓમાંથી એકની ઝલક

વહીવટોની યાદીઓમાંથી એકની ઝલક

અમારા જ કાર્યક્રમમાં બીજા આવીને મંચ પરથી અમારાં વખાણ કરે, એમાં બહુ સ્વાદ ન આવે. કારણ કે એમાં પ્રશંસા કેટલી અને ‘પ્રસંગને અનુરૂપ વિવેક’ કેટલો, એ સવાલ. એને બદલે આપણા જ કાર્યક્રમમાં મંચ પરથી આપણી મસ્તીભરી ખિંચાઇ અને નોંકઝોંક થાય તો વધારે મઝા આવે. સેન્સ ઓફ હ્યુમરની બાબતમાં અમારા સૌ મિત્રોની ફ્રીકવન્સી એક જ પ્રકારની ચાલે. પ્રણવની અને મારી તો ખાસ. એટલે આવાં તોફાનોમાં ટીખળ, વ્યંગ અને મસ્તી સારાંએવાં હોય. આ કાર્યક્રમમાં અમારો પરિચય આપતી વખતે પ્રણવે સ્વાભાવિક રીતે જ વખાણ કર્યાં હોય, પણ દરેકનો પરિચય વઘુમાં વઘુ પાંચ-છ લીટીમાં. એટલે આખી વાતમાં પ્રમાણભાન જળવાઇ રહે અને લોકોને એકનાં એક પ્રકારનાં વખાણ કે વખાણનો કાન ભાંગી નાખે એવો અતિરેક વેઠવો ન પડે.

ભાર વગરના સંચાલનનો આનંદઃ પ્રણવ અને ગુરૂજનો (ફોટોઃ ઉર્વીન વ્યાસ)

ભાર વગરના સંચાલનનો આનંદઃ પ્રણવ અને ગુરૂજનો (ફોટોઃ ઉર્વીન વ્યાસ)

કાર્યક્રમના બે-ત્રણ દિવસ પહેલાં બઘું આયોજન થઇ ગયા પછી પ્રણવ-કેતન-કિરણ અને કાર્તિકભાઇ સહિતના મિત્રો એવા કામે લાગ્યા હતા કે અમે સાવ નવરા પડી ગયા. કાર્યક્રમની સવારે (શનિવારે) હું ‘ગુજરાત સમાચાર’ની મારી અઠવાડિક કોલમ ‘બોલ્યુંચાલ્યું માફ’ એના નિયમિત ટાઇમટેબલ પ્રમાણે લખતો હતો અને એ પૂરી કરીને રાબેતા મુજબ બુધપૂર્તિ માટે આપવાનો એડવાન્સ તંત્રીલેખ પણ લખીને મોકલી દીધો. ધૈવત આગલા દિવસ સુધી એના લેખ લખતો હતો. છેલ્લા બે દિવસમાં અમારે મળવાની જરૂર પડી જ ન હતી. બિનીત મોદી સાથે પણ ફોન પર વાત કરી લીધી હતી- અને અમારી ઘણીખરી મિત્રસેનાને તો કામે લગાડી જ ન હતી.

કાર્યક્રમની સાંજે કેવી પ્રતિકૂળતાઓ હતી તેની વાત અહેવાલના પહેલા ભાગમાં કરી છે. કાર્યક્રમના સ્થળે કાઉન્ટર ગોઠવાયાં ત્યાર પહેલાં એકાદબે વ્યવસ્થાપ્રેમી મિત્રોએ પૂછી લીઘું હતું, ‘વિમોચન માટેના સેટ ગિફ્‌ટરેપ કરાવવાના છે?’ એ વખતે ‘થેન્ક્સ, બટ નો થેન્ક્સ’ની મુદ્રામાં ના પાડી. કાઉન્ટર પર એક જ સેટ ગિફ્‌ટરેપ થઇને મુકાયેલો હતો અને તેની પર લકી ડ્રોમાં વિજેતા બનેલા અને વિમોચન વખતે સ્ટેજ પર હાજર રહેવાની તક મેળવનારા વાચક-ગ્રાહક કિરણ જોશીનું નામ બીજા વાંચી શકે એ રીતે લખાયેલું હતું.

કાર્યક્રમમાં નગેન્દ્ર વિજયનું પ્રવચન પૂરું થયા પછી વિમોચનનો વારો આવ્યો, એટલે પ્રણવે એક પછી એક બધાને મંચ પર બોલાવવાના શરૂ કર્યા. ત્યારે સૌના મનમાં બે મુખ્ય સવાલ હતાઃ આ લોકો વિમોચન કેવી રીતે કરશે? અને કાર્યક્રમના આરંભે અપાયેલી આખા કાર્યક્રમની રૂપરેખામાં જે ‘સરપ્રાઇઝ આઇટેમ’ની વાત થઇ હતી, એ શી હશે?