નગેન્દ્રવિજયનું પ્રવચન પૂરું થતાં ઉત્સવનો એક ભાગ પૂરો થયો. ત્યાં સુધી કોઇ પણ ઔપચારિકતા જોવા મળી ન હતી. નગેન્દ્રભાઇનું પ્રવચન અપેક્ષા મુજબનું –  બિનજરૂરી શબ્દાળુતા વગરનું, આંતરસૂઝથી ભરપૂર, રસ્તો ચીંધનારું અને સમૃદ્ધ વિચારભાથું પૂરું પાડનારું રહ્યું. નગેન્દ્રભાઇને મંચ પરથી બોલતા સાંભળવાનો અનુભવ અમારી જેમ બીજા ઘણા મિત્રો માટે પણ યાદગાર અને અમૂલ્ય રહ્યો હશે.

 

Pranav Adhyaru

ગુજરાતી સંચાલકોમાં જોવા મળતી અસંખ્ય વાહિયાત પરંપરાઓમાંની એક છેઃ અગાઉ બોલાયેલા વક્તવ્યનો સાર પુનઃપ્રસારિત કરવો- કેમ જાણે અગાઉનું વક્તવ્ય ફ્રેન્ચમાં અપાયું હોય ને સામે બેઠેલાને બમ્પર ગયું હોય. કેટલાક હોંશીલા સંચાલકો તો વિષયનિષ્ણાતના વક્તવ્ય પર વજન મુકવા માટે એવું પણ જાહેર કરી દે કે ‘હું એમની વાત સાથે બિલકુલ સંમત છું.’ એમને કોણ કહે કે ‘કાકા, તારી સંમતિ-અસંમતિની પરવા કોને છે? અને એક્ચુલી, તું છો કોણ? એક સંચાલક?’ પણ સરેરાશ ગુજરાતી સંચાલકો પોતાની જાત વિશે એટલા ઊંચા- અને સદંતર ખોટા- ખ્યાલમાં હોય છે કે ન પૂછો વાત.  અમારા કાર્યક્રમોમાં આવા મમરાસ્વરૂપ સંચાલકો ચાલે જ નહીં. એ બાબતમાં અમારી નીતિ ‘ઝીરો ટોલરન્સ’ની છે. કાર્યક્રમનું ચુસ્ત અને ‘નો નોનસેન્સ’ છતાં મસ્તમજાનું સંચાલન કેવું હોઇ શકે એનો ઉત્તમ નમૂનો સાર્થક પ્રકાશન ઉત્સવમાં પ્રણવ અઘ્યારુએ ફરી એક વાર પૂરો પાડ્યો.

પ્રણવે સાર્થક પ્રકાશનના અભિન્ન અંગ જેવા મિત્રો કાર્તિક શાહ અને અપૂર્વ આશરને મંચ પર આમંત્રણ આપ્યું. આ બન્ને મિત્રો ન હોત તો સાર્થક પ્રકાશન જ ન હોત- અને આવું કહેવામાં કશી અતિશયોક્તિ નથી. કાર્તિકભાઇએ પ્રકાશનના શરૂઆતના તબક્કાની પળોજણોમાં જે જાતની મદદ કરી છે એ વિના અમે આવું સાહસ કરી શક્યા ન હોત- અને અપૂર્વ આશર ડીઝાઇન તો ઉત્તમ કરે જ, પરંતુ એ સિવાયની બાબતમાં ‘સાર્થક’ને પોતાનું ગણીને જે સલાહસૂચનમદદ આપે તેની કિંમત આંકી શકાય નહીં. મંચ પર આ બન્ને ન હોય તો વિમોચન અઘૂરું ગણાય.

(ડાબેથી) કાર્તિક શાહ, અપૂર્વ આશર, દીપક સોલિયા, કિરણ કાપુરે, પ્રણવ અધ્યારુ

ત્યાર પછી આગોતરા ઓર્ડર નોંધાવનારા વાચક-ગ્રાહકોમાંથી લકી ડ્રો દ્વારા પસંદ કરાયેલા કિરણ જોશીને સ્ટેજ પર આવવા વિનંતી કરાઇ. સલિલભાઇના ગામ વલ્લભ વિદ્યાનગરના કિરણ પાકા (રીઢા?) વાચક અને મિત્ર છે. એ વિદ્યાનગરથી અમદાવાદ અને અમદાવાદથી લગભગ એટલા જ સમયમાં, એક કલાક આશ્રમ રોડ પર ભાજપીયા અંધાઘૂંધી વેઠીને સમારંભમાં પહોંચ્યા હતા. તેમના માટેનાં પુસ્તકોનો સેટ આ કાર્યક્રમ માટે ગિફ્‌ટરેપ થયેલી એકમાત્ર ચીજ હતી. એ સેટ નગેન્દ્રભાઇએ કિરણ જોશીને સત્તાવાર રીતે આપ્યો. બીજા પ્રિય લેખકો સાથે પણ કિરણ જોશીએ હાથ મિલાવ્યા.

નગેન્દ્ર વિજયના હસ્તે કિરણ જોશીને પુસ્તકોનો સેટ અર્પણ

વિનોદ ભટ્ટ અને રતિલાલ બોરીસાગર સાથે કિરણ જોશીનો મંચમેળાપ

પછી શું કરવાનું છે, એની મંચ પર બેઠેલા ગુરુજનોને પણ ખબર ન હતી. પરંતુ માહોલ એવો આત્મીયતા-અનૌપચારિકતાનો હતો કે કોઇને એ જાણવાનો કશો રઘવાટ કે ઉચાટ પણ ન હતાં. પ્રણવે વિમોચનની જાહેરાત કરી એ સાથે જ મંચની પાછળથી સાર્થક પ્રકાશન અને તેનાં ચારે પુસ્તકોની વિગત ધરાવતાં બોર્ડ મંચ પર ફરવા લાગ્યાં. તેની કોરી બાજુ બહાર રહે એ રીતે સૌને એ બોર્ડ આપવામાં આવ્યાં. એટલે સૌથી પહેલાં તો ગુરૂજનોએ બોર્ડમાં શું લખાયું છે એ વાંચ્યું. પછી અમે સૌ લાઇનબંધ એ બોર્ડ રહીને મંચ પર ઊભા રહી ગયા અને એ બોર્ડ છતાં કર્યાં.

આ બધું ચાલી શું રહ્યું છે?

અચ્છા, આમ વાત છે

 

આ જ વિમોચન કહો તો વિમોચન ને લોકાર્પણ કહો તો લોકાર્પણ. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં ચારેય પુસ્તકો હોલની બહાર વેચાતાં હતાં. એટલે તેમના અનાવરણનો કે લોકાર્પણનો સવાલ ન હતો, પણ દસ્તાવેજીકરણ માટે થઇને સાર્થક પ્રકાશનના આરંભની એક ચોક્કસ ક્ષણ હોવી જોઇએ.

 

આ એ ક્ષણ હતી, જ્યારે ગુજરાતી લેખન-પત્રકારત્વના છ ઘુરંધરો- નગેન્દ્ર વિજય, હર્ષલ પુષ્કર્ણા, રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, પ્રકાશ ન. શાહ અને રતિલાલ બોરીસાગર અમારા સાહસને તેમનાં આશીર્વાદ-શુભેચ્છા આપી રહ્યા હતા. એ સિવાય બીરેન કોઠારી, કાર્તિક શાહ, અપૂર્વ આશર, કિરણ જોશી અને પ્રણવ અઘ્યારુ પણ મંચ પર હતા. સંખ્યાબંધ તસવીરોમાં તો આ ક્ષણો ઝડપાઇ ગઇ છે, પણ એનાથી વઘુ અમીટ રીતે એ અમારા મનમાં સ્થાન પામી છે. જોકે, એ વખતે મંચ પરથી અમને જરાય ખ્યાલ આવતો ન હતો કે સામેની બાજુથી મંચ પરનો આ મેળાવડો કેવો દેખાતો હશે. અમે પણ ફોટામાં જોયું ત્યારે ખબર પડી કે ‘હં..લાગે છે તો સારું. આપણે આવું જ કરવું હતું.’

વિમોચન અને એ પ્રસંગે પડતી તસવીરોની ફ્‌લેશ શમી એટલે ગુરૂજનોને મંચ પરથી સામે તેમનું સ્થાન લેવાની વિનંતી કરવામાં આવી.  હવે ઉત્સવનો ઉત્તરાર્ધ શરૂ થતો હતો. તેમાં શું થવાનું હતું એ પણ ભાગ લેનારા લોકો સિવાય બીજા કોઇને કહેવામાં આવ્યું ન હતું. એટલે ગુરૂઓ અમે શો ખેલ પાડીશું એની કલ્પના કરતાં સામે ગોઠવાયા. દરમિયાન મંચ પરથી પ્રણવે પંદર મિત્રોનું આહ્વાન કર્યું અને એ લોકો સ્ટેજ પર આવે ત્યાં સુધી એક-એક લીટીમાં તેમનો પરિચય આપ્યો. આ મિત્રો હતાં:

 

વિશાલ પાટડિયા (દિવ્ય ભાસ્કર વેબ), કેતન રૂપેરા (’નવજીવનનો અક્ષરદેહ’), લલિત ખંભાયતા (ગુજરાત સમાચાર), કિરણ કાપૂરે (ફ્રીલાન્સ), દિવ્યેશ વ્યાસ (સંદેશ), તેજસ વૈદ્ય (સંદેશ), પુનિતા નાગર વૈદ્ય (દિવ્ય ભાસ્કર વેબ), ઋતુલ જોશી (CEPTમાં અધ્યાપક), મેઘા જોશી (માનસશાસ્ત્રનાં અધ્યાપક), હસિત મહેતા (નડિયાદની મહિલા આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ),  બિનીત મોદી (તેની ઓળખાણ આ રીતે અપાઇ હતી- બિનીત મોદી….બિનીત મોદી), ક્ષમા કટારિયા (અનુવાદક- સંપાદક-પત્રકાર),  શર્મિલી (આઇટી એન્જિનીયર), શૈલી ભટ્ટ- માનસી શાહ- માનસી મુળિયા (MMCJ- Sem-2માં મારી ક્લાસમેટ્સ)

પ્રેસ કોન્ફરન્સનો ઉઘાડ કરતા આશિષ કક્કડઃ સામે ગોઠવાયેલા મિત્રો

દરમિયાન મંચ પર સૌની નજર સામે બેઠક વ્યવસ્થા બદલાવા લાગી. દીપક, ધૈવત, હું અને બીજા સૌ ટેબલ ખસેડવામાં અને ખુરશીઓ ગોઠવવામાં લાગી પડ્યા. ‘બધા બઘું કરે અને કોઇની કશી જવાબદારી નહીં’ એવો એક સમયે જાણીતો બનેલો આરપાર-મંત્ર અમારા કાર્યક્રમોમાં સહેજ ફેરફાર સાથે લાગુ પડતો હોય છેઃ ‘બધા બઘું કરે ને દરેકની બધી જવાબદારી’. એટલે એક તરફ બે ટેબલ અને ચાર ખુરશી ગોઠવાયાં, જેની પર અમે ત્રણ અને કેકેના પુસ્તકના સંપાદક તરીકે બીરેન બેઠો. સામે ગોઠવાયેલી, પ્રેસ કોન્ફરન્સમાં હોય છે એવી સફેદ કાપડથી આચ્છાદિ ખુરશીઓમાં પંદર મિત્રો ગોઠવાયા. તેમાંથી કેટલાક ખરેખર પત્રકાર હતા અને કેટલાકને આ કાર્યક્રમ પૂરતા બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ કાર્યક્રમ પૂરતા સૌ ‘નકલી પત્રકાર’ હતા એટલે કે પોતપોતાની સંસ્થાઓના પ્રતિનિધિ ન હતા. આ ચોખવટ પ્રણવે સામે બેઠેલા લોકોના લાભાર્થે અને ખરેખર પત્રકાર તરીકે કામ કરનારા લોકોના હિતાર્થે કરી દીધી.

 

હસિત મહેતાએ કરેલી શરૂઆત

ત્યાર પછી શરૂ થયો પ્રેસ કોન્ફરન્સનો દૌર, જેની શરૂઆત હસિત મહેતાએ કરી. બેઠેલા તમામ મિત્રોને ઓછામાં ઓછો એક પ્રશ્ન મળે અને પ્રશ્ન ઘણુંખરું તેમના વ્યક્તિત્વને અનુરૂપ હોય એ રીતે વિચારવામાં આવ્યો હતો. તેના જવાબો અમે ત્રણે વહેંચી લીધા હતા.  લેખક તરીકે સૌથી વઘુ ચાર-પાંચ પ્રશ્નો ધૈવત માટેના હતા. મારે અને બીરેનને લેખક તરીકે એક-એક સવાલના જ જવાબ આપવાના હતા. પ્રકાશન અંગેના જવાબ અમે ત્રણે આપતા હતા. ઘણા લોકોએ દીપકને પહેલી વાર મંચ પરથી બોલતા સાંભળીને તેમના અવાજ વિશે સાનંદ આશ્ચર્ય પ્રગટ કર્યું. બે દિવસ પહેલાં અમે નાટ્યકાર નિમેષ દેસાઇને મળવા ગયા ત્યારે વાતવાતમાં નિમેષભાઇએ પણ દીપકને કહ્યું હતું, ‘તમારો અવાજ બહુ સરસ છે. જોકે તમને આવું પહેલાં કોઇકે કહ્યું જ હશે.’ દીપકે ના પાડી, એટલે નિમેષભાઇ ઉવાચ, ‘આ પણ મુંબઇની એક તાસીર છે.’

પ્રેસ કોન્ફરન્સના સવાલોમાં નિર્દોષ સવાલોથી માંડીને તોફાની સવાલો (‘તમે ફક્ત દોસ્તો ને સગાંવહાલાંના જ પુસ્તકો છાપશો?’) પણ હતા. પુસ્તકો છાપવાનાં ધોરણ વિશેના સવાલમાં અમે કહ્યું કે ‘દરેક પુસ્તક વિશેનો નિર્ણય અમારી એક કમિટી લેશે અને એમાં વિષય પ્રમાણે માણસ બદલાતા રહેશે.’ એટલે તરત સવાલ પૂછાયો, ‘દીપકભાઇનું એકેય પુસ્તક આજે થયું નથી, તો શું કમિટીએ દીપકભાઇનું પુસ્તક નાપાસ કર્યું હતું?’ એટલે દીપક અસ્સ્લ દીપકશાઇ ઠંડકથી કહે, ‘કમિટીએ પુસ્તક નાપાસ કરવા માટેની પહેલી શરત એ છે કે પુસ્તકની મેન્યુસ્ક્રીપ્ટ સબમિટ કરાવવી પડે. મારે તો હજુ એ જ બાકી છે.’ અને એ જવાબના અંતે દીપક કહે, ‘શોલેમાં ગબ્બરસિંઘની એન્ટ્રી ખાસ્સા અડધા-પોણા કલાક પછી થાય છે.’ દીપક આગળ કહે એ પહેલાં જ હોલમાં હસાહસ થઇ ગઇ.

દીપકની ‘ગબ્બરસિંઘ’ અદાઃ બોલનાર ગંભીર, સાંભળનારમાં ધમાલ

લલિત ખંભાયતાઃ પૂછતાં પૂછતાં હસી પડે, ભૈ ભાઇબંધ છે

 

ચાલુ પ્રેસ કોન્ફરન્સે ‘પી.આર.મેનેજર’ સાથે પરામર્શન
(ડાબેથી) ક્ષમા કટારિયા, ઋતુલ જોશી, આશિષ કક્કડ, માનસી શાહ, માનસી મુળિયા

વચ્ચે વચ્ચે બિનીત મોદીએ તોફાન કર્યાં. અમારા પી.આર. મેનેજર બનેલા આશિષ કક્કડને મોદીના બચ્ચાએ એવો ધોખો કર્યો કે ‘તમે તો અમને એવું કહીને લઇ આવ્યા હતા કે કામા હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ છે. તો કમ સે કમ હોલનું બારણું તો ઉઘાડું રાખો કે જેથી અમને દૂરથી  તો દૂરથી, પણ કામા હોટેલ દેખાય.’ વચ્ચે વચ્ચે ‘અમારાં કવરનું શું થયું?’ અને ‘જમવાની કેટલી વાર છે?’ એવા પત્રકારપરિષદસહજ સવાલોની મસ્તી પણ ચાલુ રહી.

પત્રકાર પરિષદમાં અમારા ધાર્યા કરતાં પણ વધારે મઝા આવી. એટલે એ અમારા ધાર્યા કરતાં વધારે ચાલી. પરંતુ અડધા-પોણા કલાક પછી દિમાગની બાયોલોજિકલ ક્લોકમાંથી સિગ્નલ આવવા લાગ્યા કે ‘આ ક્યારે પૂરી થશે એવો લોકોને વિચાર આવે એ પહેલાં, હસીખુશીની વચ્ચે કાર્યક્રમ પતાવો.’ પ્રણવને પણ એવું જ લાગ્યું. એટલે બઘું બરાબર જઇ રહ્યું હતું, છતાં ડીઝાઇન કરેલા પ્રશ્નોમાંથી એક-બે પ્રશ્નો ઓછા કરીને સવેળા પત્રકાર પરિષદ પૂરી કરી. ત્યાર પછી સાર્થક પ્રકાશન વતી મેં અમને દોસ્તીના હકથી મદદરૂપ બનેલા સૌનો ઔપચારિક નહીં, પણ હૃદયના ભાવથી આભાર માન્યો અને પછી મળેલા પ્રતિભાવમાંથી જણાયું કે એ ભાવ સૌ સુધી પહોંચ્યો પણ હતો.

કાર્યક્રમ પૂરો થતાં જ આખા કાર્યક્રમ સાથે સંકળાયેલા સૌનું યાદગાર ગ્રુપ ફોટો સેશન થયું અને સાર્થકના વિમોચનમાં વપરાયેલા એક બોર્ડના કોરા ભાગની પાછળ એ સૌના હસ્તાક્ષર લેવાયા. ત્યાર પછી શરૂ થયેલા ભોજન સમારંભ અને મિત્રમેળાવડા વિશે લખવું શક્ય નથી. કારણ કે પછી સૌ વહેંચાઇ ગયા અને મુક્તપણે હળતામળતાભળતા અને આનંદ કરતા રહ્યા. કેટલા બધા મિત્રો એકબીજાને આ કાર્યક્રમ થકી મળી શક્યા એ આ ઉત્સવની વધારાની સાર્થકતા હતી, જે ફક્ત આયોજકોએ જ નહીં, આયોજકોના જ વિસ્તૃત મિત્રમંડળ જેવા બની ગયેલા સૌએ અનુભવી.

‘આહા’ ક્ષણઃ આટલા બધા ગુરૂજનો-સ્નેહીઓ-પરમ મિત્રો એક જ ફ્રેમમાં

ફ્રેમનો સૌથી જુનિયર સભ્યઃ મારી બાજુમાં ઉભેલો આશિષ કક્કડનો પુત્ર રંગ

કાર્યક્રમ પૂરો થયા પછી સાહિત્ય પરિષદની લોનમાં ભાજીપાંઉ, પુલાવ અને ગુલાબજાંબુની સાથોસાથ પ્રેમગપાટા મારવામાં સૌ એટલા રમમાણ હતા કે ઝટ ઘરે જવાનું કોઇને મન થતું ન હતું. સાડા નવ-દસ સુધીમાં ઘણાખરા મિત્રો વિખરાયા પછી પણ અમે લોકો ત્યાં રહ્યા અને લગભગ સાડા અગિયારે અમે છૂટા પડ્યા ત્યારે મન પર મીઠા થાક અને સ્નેહીઓએ વરસાવેલા અઢળક પ્રેમનું આવરણ પથરાઇ ગયું હતું. એ આવરણ પેટ્રોલ-ડીઝલ જેવું ન હતું કે તરત ઉડી જાય. એ અમારા સૌના મનમાં છેક ઊંડે સુધી ઉતરીને સંઘરાઇ ગયું છે. અમારા સૌ માટે એ સ્મૃતિનો અખૂટ અમૃતકૂપ બની રહેશે.

(મોટા ભાગની તસવીરોઃ દીપક ચુડાસમા)

(સાર્થક પ્રકાશન ઉત્સવની આગામી છેલ્લી તસવીરી પોસ્ટમાં ઓડિયન્સની તથા કાર્યક્રમ પછીનાં મિલનમુલાકાતોની ફક્ત તસવીરો)