આત્મીયતા અને અનૌપચારિકતા- આ બન્ને સાર્થક પ્રકાશન ઉત્સવના કેન્દ્રવર્તી ભાવ હતા. એવું ન હોય તો રજનીકુમાર પંડ્યા, વિનોદ ભટ્ટ, પ્રકાશ ન.શાહ અને રતિલાલ બોરીસાગર જેવા માતબર અને લોકપ્રિય લેખકો- વક્તાઓ ઉપસ્થિત રહે, મંચ પર બેસે છતાં વક્તવ્ય ન આપે, એવું શી રીતે બને?

પરંતુ અમારી એવી લાગણી હતી કે આ કાર્યક્રમમાં વક્તવ્ય જેવું વક્તવ્ય એક જ હોય – અને તે નગેન્દ્ર વિજયનું.  કારણ કે જાહેરમાં બોલવાનું તો બહુ દૂરની વાત, એ જાહેર સમારંભોમાં ભાગ્યે જ જાય છે. સાર્થકના સમારંભમાં તેમની હાજરી અમારા માટે બહુ મોટા આશીર્વાદ જેવી હતી. એ દિવસે તબિયતની નાનીમોટી સમસ્યાઓને અવગણીને નગેન્દ્રભાઇ સપરિવાર આવી પહોંચ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખુરશી પર લાંબો વખત બેસતી વખતે તેમને પડતું કષ્ટ ક્યારેક જોઇ શકાતું હતું, પરંતુ તેમણે એ વિશે ન કશી ફરિયાદ કરી કે ન અમને કોઇ રીતે મૂંઝાવા દીધા.

(ડાબેથી) દીપક સોલિયા / Dipak Soliya, હર્ષલ પુ્ષ્કર્ણા / Harshal Pushkarna,
ઉર્વીશ કોઠારી/Urvish Kothari, નગેન્દ્ર વિજય/ Nagendra Vijay, ધૈવત ત્રિવેદી/ Dhaivat
Trivedi, (પાછળ) વિશાલ વાસુ / Vishal Vasu (pic: Binit Modi)

સંચાલન માટે મંચ પરથી માઇક સંભાળ્યા પછી પ્રણવે પહેલાં સાર્થક પ્રકાશનના ત્રણે મિત્રો- દીપક, ઉર્વીશ અને ધૈવત-ને મંચ પર બોલાવ્યા. ત્રણે જણા મંચ પર આવીને પોતપોતાની રીતે અભિવાદન કરીને સંચાલક પ્રણવની પાછળ ખૂણામાં ઊભા રહી ગયા.

રા.વિ.પાઠક સભાગૃહના – અને ગુજરાતી પ્રકાશન જગતના- મંચ પર
ત્રણ મિત્રોની એન્ટ્રીઃ ધૈવત, ઉર્વીશ, દીપક (ફોટોઃ દીપક ચુડાસમા)

મંચ પર ટેબલની પાછળ ગોઠવાયેલી છ ખુરશીઓ ખાલી હતી. પ્રણવે ફરી એક વાર નગેન્દ્રભાઇ વિશે- તેમના માહત્મ્ય વિશે થોડી વાત કરીને હર્ષલને વિનંતી કરી, એટલે એ નગેન્દ્રભાઇને લઇને સ્ટેજ પર આવ્યો. વાત પુસ્તક પ્રકાશનને લગતી હોવાથી યુરેનસ બુક્સના કર્તાહર્તા તરીકે હર્ષલનું સ્થાન પણ નગેન્દ્રભાઇની સાથે જ હતું.

નગેન્દ્રભાઇને સ્ટેજ પર લઇને આવતો હર્ષલ/
Nagendra Vijay and Harshal Pushkarna
(ફોટોઃ દીપક ચુડાસમા)

ત્યાર પછી રજનીકુમાર, વિનોદભાઇ, પ્રકાશભાઇ અને બોરીસાગરસાહેબને મંચ પર આવવા વિનંતી થઇ. એટલે સંચાલકની પાછળ ઉભેલા ત્રણ પ્રકાશકોમાંના એક બીજા કોઇના કાર્યક્રમમાં આવ્યા હોય તરત સ્ટેજ પરથી નીચે ઉતર્યા અને વિનોદભાઇનો હાથ પકડીને તેમને ઉપર લઇ આવ્યા. એ વખતે સ્ટેજ પર જે દૃશ્ય સર્જાયું તે ગુજરાતી વાચકો માટે બહુ વિશિષ્ટ હતું. વિનોદભાઇ, રજનીભાઇ, પ્રકાશભાઇ, બોરીસાગરસાહેબ જેવા પ્રતાપી અને જાહેર જીવનમાં સક્રિય લેખકો તેમના એક ઘુરંધર સમકાલીનને મંચ પર કદાચ પહેલી જ વાર મળી રહ્યા હતા. નગેન્દ્રભાઇ ચારેય જણને ઉમળકાથી મળ્યા. એમની સાથે હાથ મિલાવ્યા. હર્ષલ પણ ઉભો થઇ ગયો હતો. તેણે જગ્યા કરી આપી એટલે વિનોદભાઇએ તેમની શૈલીમાં કહ્યું, ‘એને ખુરશીની પરવા નથી, પણ ભાઇ, અમારે નવી પેઢી માટે હવે ખુરશી ખાલી કરી આપવાની છે.’

 

(L to R) પ્રકાશ ન. શાહ, રજનીકુમાર પંડ્યા, હાથ મિલાવતા નગેન્દ્ર વિજય, વચ્ચે
રતિલાલ બોરીસાગર, પાછળ દેખાતા વિનોદ ભટ્ટ, છેક જમણે હર્ષલ અને પાછળ
ફોટા લેતો મિત્ર લલિત ખંભાયતા

પ્રકાશભાઇ અને નગેન્દ્રભાઇનો ઉષ્માભર્યો મેળાપ

 

(ડાબેથી) પ્રકાશ ન.શાહ, હર્ષલ પુષ્કર્ણા, નગેન્દ્ર વિજય, રજનીકુમાર પંડ્યા,
વિનોદ ભટ્ટ, રતિલાલ બોરીસાગર, સંચાલકસ્થાને પ્રણવ અધ્યારુ
(પાછળ) બીરેન કોઠારી, ધૈવત ત્રિવેદી અને ઉર્વીશ

બધા શાંતિથી ગોઠવાયા એટલે પ્રણવે ટૂંકી પ્રસ્તાવના બાંધીને નગેન્દ્રભાઇને વક્તવ્ય આપવા માટે વિનંતી કરી. એ પહેલાં દીપપ્રાગટ્ય, પ્રાર્થના, સ્વાગત અને દરેક વખતે પહેલી વાર બોલાતું હોય એવા ઉત્સાહથી સંચાલકો દ્વારા બોલાતું વાક્ય- ‘બુકેથી નહીં પણ બુકથી સ્વાગત’- આવી કોઇ જ ઔપચારિકતાઓ ન હતી. પરમ આદરણીય અને અતિપ્રિય લેખકો સાક્ષાત્‌ હાજરાહજુર હોય ત્યારે બીજા કોઇનાં-કશાનાં આહ્વાન કરવાની શી જરૂર? અને આ ગુરુજનો પણ એવા કે એ અમને દરેક પ્રકારના ભારમાંથી મુક્ત રાખે. અરે, વ્યવસ્થાના ભાગરૂપે એમના ઘરે કોઇ મિત્રની કાર મોકલીએ તો એના માટે પણ આનાકાની કરે અને કહે કે ‘એની કશી જરૂર નથી. અમે અમારી રીતે (રિક્ષામાં) આવી જઇશું. પછી અમારે એમને હળવાશથી સમજાવવા પડે કે ‘સાહેબો, માંડ થોડો વિવેક આવડે છે, એ પણ શા માટે ભૂલવાડો છો?’

સમારંભ પહેલાં બોરીસાગરસાહેબ સાથે એમના ઘરે કાર્ડ આપવા જવાની વાત થઇ ત્યારે એ કહે, ‘તમે આવશો તો બહુ ગમશે, પણ સ્પેશ્યલ કાર્ડ આપવા માટે તમારે ધક્કો ખાવાની જરૂર નથી. તમે અત્યારે બહુ વ્યસ્ત હશો તો કાર્ડ આપવા નહીં આવો તો કશો વાંધો નથી. આવા કાર્યક્રમમાં અમારે પણ કંઇક કામ કરવાનું હોય. અમે બીજું કંઇ તો ન કરી શકીએ, પણ તમને આટલી મુક્તિ આપીએ એને અમારું પ્રદાન ગણી લેજો.’ કાર્ડ આપવા જતાં પહેલાં ફોન કરીએ તો પણ એ જ વાત, ‘આવો તો બહુ ગમશે, પણ સમય ન હોય તો ન આવતા.’ અને આ વાક્યોમાં ઔપચારિકતાની ગંધ નહીં, પણ આત્મીયતા અને પ્રેમની ફોરમ આવતી હોય.

પ્રકાશભાઇને કાર્યક્રમના આગલા દિવસ સુધી કાર્ડ આપવા જવાયું ન હોય તો પણ અમારા મનમાં કશો ઉચાટ ન લાગે. યાદ આવ્યા કરે કે પ્રકાશભાઇને મળવાનું છે, પણ એમાં કાર્ડ આપવા કરતાં મોટું આકર્ષણ પ્રકાશભાઇ સાથે અડધો કલાક-કલાક સત્સંગ થશે અને અટ્ટહાસ્યોની મહેફિલ સાથે બે વાત જાણવા મળશે એનું હોય. નગેન્દ્રભાઇને મળવા જઇએ અને પૂછીએ કે તેમની સગવડ સાચવવા શું કરીએ, તો એ ફક્ત એટલું જ કહે- અને એ પણ અત્યંત દિલગીરી વ્યક્ત કરીને કે ‘હું ઊભો રહીને બોલી નહીં શકું. મારે બેઠાં બેઠાં બોલવું પડશે.’ અને એ કાર્યક્રમના એકમાત્ર વક્તા હોવા છતાં એમને સમય વિશે પૂછીએ કે ‘ત્રીસ-પાંત્રીસ મિનીટ ચાલશે? કે વધારે જોઇશે? તમારા માટે કોઇ મર્યાદા નથી. હોઇ જ ન શકે.’ તો પણ એ અડધા કલાકથી વઘુ સમય ન માગે અને પાંત્રીસેક મિનીટમાં પોતાની વાત પૂરી કરી દે.

નગેન્દ્રભાઇના વક્તવ્યનો સાર આપવાનું અહીં શક્ય નથી, પણ તેમણે પ્રકાશનવ્યવસાય અને કેવાં પુસ્તકો પ્રકાશિત કરી શકાય- અને તેમને પણ સફળ બનાવી શકાય- એના માર્ગદર્શનની સાથોસાથ એમને લેખક તરીકે થયેલા કડવા અને પ્રકાશક તરીકે થયેલા પહેલાં માઠા અને પછી મીઠા અનુભવોની વાત કરી. ગુજરાતમાં મહેન્દ્રભાઇ મેઘાણી અને ‘લોકમિલાપ’ દ્વારા થયેલા પુસ્તકપ્રસારના કાર્યની વાજબી રીતે જ મોટા પાયે નોંધ લેવાઇ છે અને તેનાં ઉજવણાં થયાં છે, પણ તેમની સરખામણીમાં નગેન્દ્રભાઇ અને હર્ષલે કરેલું માતબર કામ બહુ થોડા લોકો જાણે છે. ‘મેથેમેજિક’ જેવા ગણિતના વિષય પરના  રૂ.૨૦૦ની (કે રૂ.૨૫૦ની) કિંમત ધરાવતા પુસ્તકની તેમણે વીસ હજારથી પણ વધારે નકલો વેચી હોય અને કોઇને તેનો ખ્યાલ પણ ન હોય. ફક્ત એકલદોકલ પુસ્તકની વાત નથી, આ સિરીઝનાં બીજાં પુસ્તકોની પણ તેમણે હસતાંરમતાં બાર-પંદર હજાર નકલો વેચી છે- અને ગુણવત્તા જોખમાવ્યા વિના કે સરકારી તંત્ર સાથે પ્રકાશકસહજ ‘વહીવટો’ પાડ્યા વિના.

નગેન્દ્રભાઇનું વક્તવ્ય એકચિત્તે સાંભળતા રજનીકુમાર, વિનોદભાઇ

નગેન્દ્રભાઇના વક્તવ્યમાં કેટલાકને રસ ન પડ્યો હોય એ બનવાજોગ છે, પણ પુસ્તક સાથે વાચનથી એક ડગલું આગળનો સંબંધ ધરાવતા સૌ કોઇ માટે એ આજીવન તપ કરનાર એક પ્રતિબદ્ધ લેખક-પ્રકાશકની ૠષિવાણીમાં તરબોળ થવા જેવો લહાવો હતો. નગેન્દ્રભાઇ એટલું સુરેખ, સચોટ અને મુદ્દાસર બોલ્યા, જાણે ‘સફારી’નો લેખ. કાર્યક્રમ પછી મિત્ર બકુલ ટેલરે કહ્યું પણ ખરું, ‘નગેન્દ્રભાઇનું આખું વક્તવ્ય કશી કાપકૂપ કર્યા વિના છાપી શકાય એટલું અદ્‌ભૂત હતું.’

નગેન્દ્રભાઇના વક્તવ્ય પહેલાં પ્રણવે સાર્થક પ્રકાશનના ત્રણે મિત્રોની પત્નીઓ વિશે વાત કરતી વખતે, જોડી કાઢેલી એક પંક્તિ ફટકારી અને એ પહેલાં સૌને યાદ કરાવ્યું કે આટલા વખતના સંચાલનમાં પહેલી વાર એક કાવ્યપંક્તિ આવી રહી છેઃ-) હેતલ (દીપક), સ્વાતિ (ધૈવત) અને સોનલ (ઉર્વીશ) પોતપોતાની રીતે સક્ષમ હોવાથી આ ત્રણે જણ આ પ્રકારનું સાહસ કરી શક્યા છે, એવી મસ્તીભરી અંજલિ પ્રણવે તેમને આપી અને ત્રણેને પોતાની જગ્યા પરથી ઊભા થવા કહ્યું ત્યારે લોકોને પોતાની ડોક છેક પાછળ તાણવી પડી. કારણ કે હેતલ ચોથી-પાંચમી લાઇનમાં, સ્વાતિ એનાથી પાંચ-છ લાઇન પાછળ અને સોનલ છેલ્લેથી બીજી લાઇનમાં બેઠેલાં હતાં. જ્યાં જગ્યા મળી હોય ત્યાં જ બેસાય ને. ફંક્શન પોતાનું હોય તેથી શું થઇ ગયું?

આશિષ કક્કડ / Ashish Kakkad

આ કાર્યક્રમમાં જેમની ગેરહાજરી સૌથી વધારે સાલી રહી હતી એવા અશ્વિનીભાઇને યાદ કરતી વખતે મસ્તી કરતા-કરાવતા પ્રણવનો અવાજ તૂટી ગયો અને કંઠ રૂંધાયો. એ વખતે પાછળ બેઠેલા અમારા સૌની મનઃસ્થિતિ પણ એવી જ હતી. અશ્વિનીભાઇ અમારું આ સાહસ જોઇને બહુ જ રાજી થયા હોત, એ વાતની પ્રતીતિ તેમની ગેરહાજરીને વધારે અસહ્ય બનાવતી હતી. ત્રણ પ્રકાશક-મિત્રોના ‘બેટરહાફ’ના ઉલ્લેખ પછી પ્રણવે ‘બેટરહાફ’ના નિર્દેશક, ઉત્તમ વોઇસ આર્ટિસ્ટ, ‘કાઇપો છે’માં નાનો પણ પ્રભાવશાળી રોલ કરનાર પરમ મિત્ર આશિષ કક્કડને બોલાવ્યા. આશિષે કાર્યક્રમમાં ગેરહાજર એવા કેકેસાહેબ (કૃષ્ણકાંત) અને સલિલ દલાલના શુભેચ્છાસંદેશ અવાજનો ટોન એકદમ લાગણીસભર કરીને એવી રીતે વાંચ્યા કે જેથી હોલમાં બેઠેલા સૌના મન પર આ બન્ને સ્નેહી વડીલોની યાદનું પીંછું ફરતું લાગે.

કાર્યક્રમના આરંભે જ એક મિત્રને વાઇ આવતાં થોડા મિત્રોએ તેમની દેખભાળ લીધી, ઉંચકીને હોલની બહાર લઇ ગયા, સ્ટેજ પરથી અમે ત્રણે -દીપક, ધૈવત અને હું- તથા આશિષ કક્કડ પણ બહાર પહોંચી ગયા. પછી સબ સલામતની ખાતરી થતાં અંદર આવીને ફરી આશિષભાઇએ મિત્રની સ્વસ્થતાના સમાચાર સૌને આપીને, કાર્યક્રમ આગળ વધાર્યો. છતાં આનાથી કાર્યક્રમમાં કશો વિક્ષેપ થયો ન હતો. હોલમાં બેઠેલા કોઇને પણ તકલીફ પડે તો સૌને એ પોતાની જ તકલીફ લાગે, એવો માહોલ એ દિવસે સર્જાયો હતો. બેઠેલા સૌ જાણે વાચનપ્રેમ અને અમારા પ્રત્યેના પ્રેમના અદૃશ્ય દોરે બંધાયેલા હતા. એક મિત્રે કહ્યું તેમ, એ કાર્યક્રમમાં કોઇ મહેમાન હોય એવું લાગતું ન હતું. સૌ પોતાના જ કાર્યક્રમમાં આવ્યા હોય એવું ભાર વગરનું વાતાવરણ હતું.

કાર્યક્રમનો પહેલો હિસ્સો-નગેન્દ્રભાઇનું પ્રવચન- પૂરું થતાં હવે આવ્યો વિમોચનનો વારો. આગળ કશી ઔપચારિકતા ન કરી હોય તો વિમોચનમાં પણ કોઇએ મહેનતથી વીંટાળેલાં પેકિંગ આડેધડ ફાડવાની ક્રિયાથી વિમોચન શી રીતે કરી શકાય?