1પચીસ-ત્રીસ હજાર ફીટની ઊંચાઇએથી ખાતરીબંધ પેરાશુટ લગાડીને મિત્રો સાથે કૂદકો માર્યો હોય, તો પહેલાં થોડી સેકન્ડ ફ્રી ફૉલ અને પછી વેળાસર, ધાર્યા પ્રમાણે પેરાશુટ ખુલે અને કશી ગરબડ વગર જમીન પર સહીસલામત, હળવી દોટ લગાડીને ઉતરાણ થાય. ત્યાર પછી ચોતરફ આનંદ-અભિનંદન-ઉજવણીનો માહોલ અને મીઠો થાક માણતાં હવે પછીના કૂદકાની તૈયારી ચાલુ.

સાર્થક પ્રકાશન ઉત્સવના સમારંભ વિશે ઉપરની સરખામણી સૌથી બંધબેસતી કહી શકાય. દોઢેક મહિના પહેલાં એક દિવસ, સાર્થકનો સમારંભ શનિવારે, ૬ એપ્રિલની સાંજે ૫:૪૫ વાગ્યે રાખવાનું નક્કી કર્યું ત્યારે ખ્યાલ ન હતો કે એ દિવસે અમદાવાદની કેવી સ્થિતિ હશે. ‘આરપાર’માં સમારંભોના સારાએવા અનુભવો પછી ઉપર જણાવેલું ‘પેરાશુટ મોડેલ’ અમારી મિત્રમંડળી- ખાસ કરીને પ્રણવ અઘ્યારુ- માટે બરાબર પરિચિત હતું. પરંતુ સમારંભના બે દિવસ પહેલાં ખબર પડી કે ૬ એપ્રિલે ભાજપનો સ્થાપના દિવસ સરદાર પટેલ સ્ટેડિયમમાં ઉજવાવાનો છે. એટલે સમારંભના દિવસે સ્ટેડિયમના રસ્તાને સાંકળતા દસ-બાર રસ્તા બંધ રહેશે.

વાંચીને સહજ ઉચાટ થયો, પણ ‘પેરાશૂટ મોડેલ’ પ્રમાણે થયું કે બંધ રસ્તાની વિગતો અગાઉથી જાહેર થઇ ચૂકી હોવાથી, લોકો એ પ્રમાણે થોડા વહેલા નીકળશે અને વાંધો નહીં આવે. પરંતુ કાર્યક્રમના દિવસે બપોરે ચાર વાગ્યે `ટાઇમ્સ ઓફ ઇન્ડિયા` ચાર રસ્તે સિગ્નલની રાહ જોતો સ્કૂટર પર ઊભો હતો, ત્યારે લક્ઝરી બસોનાં ધાડેધાડાં આશ્રમ રોડને ધમરોળતાં દેખાયાં. એ બધી બસો સાહિત્ય પરિષદ જવાના સાંકડા માર્ગ પર વળતી હતી. કારણ કે અંદર રીવરફ્રન્ટ પર તેમના પાર્કિંગની વ્યવસ્થા રાખવામાં આવી હતી. સાંકડા રસ્તાના પ્રવેશ આગળ જ થોડા ભાજપી કાર્યકરો અને થોડા ટ્રાફિક પોલીસ ઊભા હતા. એ જોઇને જ લાગ્યું કે આજે પાકી કસોટી થવાની લાગે છે.

ચારેક વાગ્યે – અને સ્કૂટર હતું એટલે- સહેલાઇથી એ રસ્તે પ્રવેશ મળી ગયો, પણ પછી પરિષદમાં સ્કૂટર મૂકીને બહાર જોયું તો રીવરફ્રન્ટમાં હરોળબંધ લક્ઝરી બસો ખડકાયે જતી હતી અને તેમાંથી ઉતરતાં ભાડૂતી ધાડેધાડાં પગપાળાં એ સાંકડા રસ્તેથી બહાર નીકળીને સ્ટેડિયમ તરફ રવાના થતાં હતાં. એકાદ કલાક પછી તો પોલીસે ને કાર્યકરોએ આશ્રમ રોડથી સાહિત્ય પરિષદ આવવાના રસ્તા પર ભાજપીયા બસો સિવાય બીજાં વાહનોને અટકાવવાનું અથવા બીજા રસ્તે મોકલવાનું શરૂ કર્યું. આશ્રમ રોડ પરનો ટ્રાફિક ગોકળગાયને શરમાવે એવી ગતિએ માંડ આગળ ધપતો હતો.

‘હાસ્ય તારું પરકાશ…’ : મિલિયન ડોલર
લાફ્ટર સાથે પ્રવેશતા પ્રકાશ ન. શાહ
(ફોટોઃ દીપક ચુડાસમા)

2

‘હાસ્ય તારું પરકાશ…’ : મિલિયન ડોલર
લાફ્ટર સાથે પ્રવેશતા પ્રકાશ ન. શાહ
(ફોટોઃ દીપક ચુડાસમા)

આશ્વાસન હોય તો એટલું કે રજનીભાઇ (રજનીકુમાર પંડ્યા), પ્રકાશભાઇ-નયનાબહેન, વિનોદભાઇ-નલિનીબહેન (ભટ્ટ) અને નગેન્દ્રભાઇ પરિવાર વેળાસર આવી પહોંચ્યાં હતાં. પરમ મિત્ર અને ગવર્ન્મેન્ટ ગર્લ્સ પોલિટેકનિકનાં પ્રિન્સિપાલ ઉષ્મા શાહ તેમની શૈક્ષણિક માથાકુટમાં અટવાયાં હતાં, પણ નક્કી થયા પ્રમાણે વેળાસર તેમણે વિનોદભાઇને લેવા માટે ગાડી મોકલી આપી હતી. એટલે વિનોદભાઇ-નલિનીબહેન આવી ગયાં, પણ દર્પણ છ રસ્તા પાસે રહેતા રતિલાલ બોરીસાગરને કેવી રીતે લાવવા એ પ્રશ્ન હતો. સવા પાંચની આસપાસ સાહિત્ય પરિષદથી આશ્રમ રોડ જવાનો રસ્તો બંધ કરી દેવાયો હતો. ટુ વ્હીલર હોય તો હજુ તક હતી, પણ બોરીસાગરસાહેબને એક વાર અકસ્માત થયા પછી એમને ટુ વ્હીલર પર બેસવાની તકલીફ હતી. તેમને ફોન કરીને ઘરે રાહ જોવા કહ્યું. ત્યાં સુધીમાં નડિયાદથી અનેક રીતે અથડાતા કુટાતા મિત્ર હસિત મહેતા આવી પહોંચ્યા હતા.

‘પ્રોફેસર’ના લાડકા નામે ઓળખાતા (ખરેખર તો પ્રિન્સિપાલ) હસિત મહેતા ‘માસ્તર કી’ નહીં, પણ ‘માસ્ટર કી’ જેવા છે. ચાર વર્ષ પહેલાં ‘બત્રીસ કોઠે હાસ્ય’ની મોક કોર્ટના સમારંભ માટે તે કાર્યક્રમના દિવસે સવારે ઠેઠ કીમ (સુરત)થી પ્રકાશભાઇ અને રતિલાલ બોરીસાગરને મારંમાર ઝડપે અમદાવાદ ‘ઉઠાવી’ લાવ્યા હતા. આ વખતે પણ પરિસ્થિતિ જોઇને એ કહે, ‘એ ચિંતા તું છોડી દે. હું કંઇક કરું છું.’

ખરું જોતાં, ક્યારેક બોલાયેલું ને ઘણીબધી વાર ન બોલાયેલું આ વાક્ય સાર્થક પ્રકાશન ઉત્સવના આખા આયોજનનું ધ્રુવવાક્ય હતું. પ્રણવ, બિનીત, આશિષ કક્કડ, કેતન રૂપેરા, કિરણ કાપુરેથી માંડીને સમારંભ પહેલાંની પુસ્તકોની કામગીરી જેમણે જવાબદારીપૂર્વક ઉપાડી હતી એ અપૂર્વ આશર અને કાર્તિક શાહ- આ સૌ તરફથી એક જ હૈયાધારણ હતીઃ ‘તમે ચિંતા છોડી દો.’ હસિત મહેતા કાર્યક્રમના છેલ્લા બે-ચાર દિવસ આગળથી રોજ સાંજે ફોન કરીને, ટૂંકો પણ મુદ્દાસર રીપોર્ટ લેતા હતા. ‘અમદાવાદમાં કશી જરૂર નથી’ એમ કહીને એમને અમારે આવતા રોકવા પડતા હતા. મહાવ્યસ્ત રહેતા હર્ષલે પણ ‘સફારી’ના અંકમાંથી પરવાર્યા પછી એકથી વઘુ વાર પોતાને લગતા કામકાજની પૂછપરછ કરી હતી- અને હું એને ઓળખું છું. એ ઠાલો વિવેક કરતો ન હતો. પરંતુ એ નગેન્દ્રભાઇ અને પરિવાર સાથે આવે, એ જ સૌથી મોટું કામ હતું.

આખા કાર્યક્રમમાં અમારા પ્રકાશનની શરૂઆત જેટલું જ માહત્મ્ય અમારે મન નગેન્દ્ર વિજયની ઉપસ્થિતિનું હતું. થોડાઘણા તબિયતના પ્રશ્નો અને ઝાઝા ભાગે પોતાની જ્ઞાનતપશ્ચર્યાના ભાગરૂપે સ્વીકારેલા એકાંતવાસને કારણે નગેન્દ્રભાઇ સમારંભો-મેળાવડામાં ભાગ્યે જ જાય છે. સદ્‌ગત વડીલ અને પ્રેમાળ મિત્ર રવજીભાઇ સાવલિયાના પ્રચંડ પ્રેમાગ્રહથી નગેન્દ્રભાઇની ષષ્ઠિપૂર્તિ ઉજવાઇ એ નિમિત્તે પહેલી વાર નગેન્દ્રભાઇને મંચ પરથી સાંભળ્યા હતા. પરંતુ એ સિવાય તે કાર્યક્રમોથી દૂર રહેવા માટે જાણીતા છે. નગેન્દ્રભાઇ અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એ જ અમારા માટે સૌથી મોટા આશીર્વાદ હતા. કંઇક અંશે ‘માઉન્ટેન કમ્સ ટુ મહંમદ’ જેવી ઘટના.

નગેન્દ્રભાઇ-દક્ષાકાકી અને આખો પરિવાર વેળાસર પહોંચી ગયાં એટલે હાશ થઇ. પરંતુ સરકારી અવ્યવસ્થા અને પોતે જાહેર ન્યૂસન્સ ઊભું કરીને લોકોને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લેવાની રાજકીય પક્ષ સહજ માનસિકતા અમારી કસોટી કરી રહી હતી. હસિત મહેતાએ બોરીસાગરસાહેબને લેવા જવા માટે ગાડીને બદલે મિત્ર વિશાલ પાટડિયાનું એક્ટિવા લીઘું, પરંતુ એ લઇને બહાર નીકળ્યા ત્યાં જ આશિષ કક્કડ મળ્યા. વાત થઇ, એટલે આશિષ કહે, ‘હું નાટકિયો ને તમે પત્રકાર. ચલો કંઇક કરીશું, પણ જઇએ તો ગાડી લઇને જ.’ બન્ને જણ ગાડી લઇને રીવરફ્રન્ટના પાછલા રસ્તે સ્વયંસેવકોની આકરી પૂછપરછને જુદી જુદી રીતે ઠેકાડતા ઉસ્માનપુરા અને ત્યાંથી બોરીસાગરસાહેબને ઘેર પહોંચ્યા અને એવી જ રીતે તેમને લઇને પાછા આવ્યા.

એક લીટીમાં પૂરા થઇ ગયેલી આ સફર એ વખતે કેટલી ત્રાસદાયક હશે તેની કલ્પના કરવી રહી. કોઇ પણ કાચાપોચા માણસ માટે તો લીલા તોરણે પાછા આવવું પડે એવી બની રહી હોત. બોરીસાગરસાહેબને લઇને છેક સાહિત્ય પરિષદ સુધી પહોંચી ગયા પછી, રીવરફ્રન્ટના રસ્તેથી ટર્ન લઇને સામે જ દેખાતા સાહિત્ય પરિષદના દરવાજા સુધી પહોંચવાનું હતું, પણ પોલીસે તેમને અટકાવ્યા અને સાફ ના પાડી દીધી કે રીવરફ્રન્ટના રસ્તેથી અંદર નહીં જવાય. સાહિત્ય પરિષદમાં પણ નહીં.

એ સાંભળીને પ્રોફેસરની કમાન છટકી. પોલીસે કહ્યું કે ‘આ વન વે છે.’ એટલે હસિત મહેતા કહે, ‘એમ? એનું જાહેરનામું ક્યાં છે?’ – એમ કરતાં એ લોકો પરિષદ પહોંચ્યા.

3

સાડા પાંચ સુધીમાં માંડ અડધો હોલ ભરાયો હતો. એક પછી એક ફોન એવા આવતા હતા કે ‘રસ્તામાં છીએ, પણ ક્યારે પહોંચાશે ખબર નથી.’ અમે ત્રણે- દીપક, ધૈવત અને હું વચ્ચે વચ્ચે હોલમાં ડોકિયું કરીને સ્ટેજ પર શું ચાલે છે એ જોઇને, બહાર બધાને મળતા હતા. દૂરથી ખાસ કાર્યક્રમ માટે આવેલા મિત્રોમાં સુરતના પરમ મિત્ર બકુલ ટેલર તથા તેમની સાથે આવેલા શાંતિભાઇ ઉપરાંત પૂનાથી આવેલા કૃતાર્થ વસાવડાનો ખાસ ઉલ્લેખ કરવો પડે. એ સિવાય મીડિયાના અને બિનપત્રકાર એમ બન્ને પ્રકારના મિત્રો-સ્નેહીઓ આવી રહ્યા હતા.

હોલમાં સ્ટેજ પર બેનર લટકાવવાથી માંડીને બહાર સ્ટેન્ડી મુકવા સુધીનું આખું તંત્ર પ્રણવ, કેતન રૂપેરા, કિરણ કાપુરે, વહેલા આવી ગયેલા મિત્ર દિવ્યાંગ શુક્લ અને આશિષ કક્કડે સંભાળી લીઘું હતું. તેમાં કેવાં કામનો સમાવેશ થતો હતો તેનો એક અંદાજ આ તસવીર પરથી આવશે.

કઠોર પરિશ્રમનો અને આ મિત્રોની મહેનતનો કોઇ વિકલ્પ નથીઃ નિસરણી પર ચડેલા
આશિષ કક્કડ, નીચે કેતન રૂપેરા અને બીરેન 4
પ્રણવ અગાઉ તૈયાર કરેલી તેની સંચાલન-સ્ક્રીપ્ટને છેલ્લો ઓપ આપી રહ્યો હતો અને લખવાની સાથોસાથ આ બધા વહીવટમાં ઘ્યાન રાખતો હતો.

પ્રણવની તૈયારીઓ

(ફોટોઃ લલિત)

(ફોટોઃ લલિત)

બહાર ધીમે ધીમે માહોલ જામવા લાગ્યો. ભાજપીયા બસોનાં ધાડાંની સાથોસાથ સાહિત્ય પરિષદમાં પણ માણસ આવવા લાગ્યા. એ દિવસે શહેરમાં ચાર સમારંભ હતા. તેમાંથી એક તો પ્રખ્યાત નાટ્યકાર-અભિનેતા-કવિ સૌમ્ય જોશીને ચં.ચી.મહેતા એવોર્ડ અર્પણ સમારંભ. કેટલાક મિત્રો ત્યાં થઇને મોડેથી આવવાના હતા. ૩૦૮ બેઠકોની ક્ષમતા ધરાવતું રા.વિ.પાઠક સભાગૃહ સાડા પાંચે અડઘું ખાલી હતું, પણ છ વાગ્યા સુધીમાં એ આખું ભરાઇ ગયું અને પછી છલકાવા લાગ્યું. મૂળ ખ્યાલ એવો હતો કે છ વાગ્યે કાર્યક્રમ શરૂ કરવો, પણ રસ્તામાં પડતી મુશ્કેલીઓને લીધે સવા છ વાગ્યે કાર્યક્રમ શરૂ થયો ત્યારે લોકો પગથિયાંમાં બેઠેલા નજરે પડતા હતા. તમામ અડચણો, મુશ્કેલીઓ વટાવીને સૌ આવ્યા હતા અને કાર્યક્રમને મજબૂત શરૂઆત પૂરી પાડી હતી.

પ્રણવે માઇક સંભાળ્યું અને ‘હું પ્રણવકુમાર ઉપેન્દ્રરાય અઘ્યારુ આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું’ વાળી લાઇન આવી ત્યાં સુધીમાં હોલના વાતાવરણમાં એક અદૃશ્ય ‘ચાર્જ’ પથરાઇ રહ્યો હતો- અને હજુ લોકો આવી રહ્યા હતા.