Dhaivat1ઓફશોર એન્જિનિયરિંગની ધીકતી કારકિર્દી છોડીને વાચન-લેખનના શોખના ક્ષેત્રને વ્યવસાય તરીકે અપનાવનાર ધૈવત ત્રિવેદી ’ગુજરાત સમાચાર’માં રોજિંદી કટાર ’ન્યૂઝ ફોકસ’ અને ’શતદલ’માં ’અલ્પવિરામ’ કોલમ સહિતની અનેકવિધ જવાબદારી સંભાળે છે. ’લાઇટહાઉસ’થી તેમણે નવલકથાલેખનમાં વાજતેગાજતે પ્રવેશ કર્યો છે. તેમની અગાઉની કોલમ ’વિસ્મય’ અને ’વિવર્તન’ હજુ પણ વાચકો યાદ કરે છે. કવિતાથી લઈને રાજનીતિ અને ઈતિહાસથી માંડીને સ્પોર્ટ્સ સહિતના વિષયોમાં
ગાઢ રસ ધરાવતા ધૈવતને રોજબરોજના સમાચારો સાથે સીધો નાતો છે.

પત્રકાર તરીકે સમાચારો સાથે પનારો પડી ચૂકે પછી ઘટનાઓમાં ધબકતી કથાઓ પામવાનો લેખકક્રમ તેને બહુ લિજ્જત આપે છે. લેખક-પત્રકાર-કવિ અને રંગકર્મી એવા ધૈવતના બહુરંગી મિજાજના પાયામાં જોકે મૂળભૂત રીતે તો એક હોંશીલા વાચકની ઉત્સુકતાનો જ આધાર છે.