સંસ્મરણ કથાઓનો દોર ચાલુ રહ્યો અને આ બીજું પુસ્તક પણ એક મોટા ગજાના ચરિત્ર અભિનેતાની વિનમ્ર સ્મૃતિકથારૂપે આપણને ઉપલબ્ધ થાય છે.

કૃષ્ણકાંત મગનલાલ ભૂખણવાળા આવું નામ અભિનેતાનું થોડું હોઈ શકે? હા, કદાચ આ નામનો સુરતનો કોઈ વણિક વ્યાપારી હશે, પરંતુ કે. કે. અથવા કે. કે.સાહેબ એ રીતે નામ બોલીએ તો મનમાં કંઈક જુદું જ અજવાળું ફેલાય. કે. કે. એટલે કૃષ્ણકાંત. હિંદી અને ગુજરાતી ફિલ્મો તથા નાટકોમાં એક ઉમદા ચરિત્ર અભિનેતા અને દિગ્દર્શક તરીકે દાયકાઓ સુધી પોતાનું એક વિશિષ્ટ સ્થાન નિશ્ર્ચિત કરનાર કે. કે. અર્થાત્ કૃષ્ણકાંતે જીવનનો ઉદયકાળ અને ઉત્તરાર્ધ સુરતમાં વિતાવ્યો અને શ્રેષ્ઠ કારકિર્દી મુંબઈના ફિલ્મ ઉદ્યોગમાં વ્યતીત કરી. કલકત્તામાં જન્મેલા આ વિશિષ્ટ ગુજરાતીનાં ફિલ્મી સંભારણાંની આ ગાથા છે. તે સાથે છેલ્લા કેટલાય દાયકાઓના હિંદી અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ તથા ગુજરાતના નાટ્યક્ષેત્રની આ એક પ્રકારની તવારીખની ગરજ સારે છે.

 

કે. કે. કલકત્તામાં રહેલા એટલે ફિલ્મોનો પાક્કો રંગ એમને ચડેલો અને એ જ તેમને ખેંચી લાવ્યો મુંબઈમાં. પ્રથમ પગથિયે જ તેમને નીતિન બોઝ જેવા તે સમયના સુવિખ્યાત ફિલ્મ દિગ્દર્શકનો પરિચય થયો અને ‘મશાલ’ ફિલ્મમાં નાની ભૂમિકા મળી અને આરંભ થયો એક લાંબી ફિલ્મી સફરનો. આ પુસ્તકમાંથી પસાર થઈએ તો સ્વાભાવિક છે. સંજીવકુમાર યાદ આવે. બંને સુરતના. બંનેએ ગુજરાતનું નામ રોશન કર્યું. બંનેએ યુવાનીથી જ પ્રૌઢ અને વૃદ્ધ સહિતની ભૂમિકાઓ ભજવી. દિલીપકુમાર, રાજ કપૂર, દેવ આનંદ, સંજીવકુમાર, મધુબાલા, નરગિસ વગેરે એ સમયના પ્રખ્યાત કલાકારો સાથે એમણે મહત્ત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ પુસ્તકનાં સ્મરણોમાં કે. કે. છે પણ એ વિષે વાત કરતાં તેમણે પોતાની જાતને કેન્દ્રમાં નથી રાખી પણ ઈતિહાસની કોઈ રસિક વાતને મહત્ત્વ આપ્યું છે. એમને થયેલા અન્યાયોને પણ મહત્ત્વ નથી આપ્યું. કલાકારોનાં વ્યક્તિચિત્રોની સમાંતરે એ જમાનાના ફિલ્મ નિર્માણની પ્રક્રિયા અને ગતિવિધિઓ, કલાકારોની સ્થિતિ, આર્થિક સામાજિક પરિસ્થિતિ વગેરે પ્રતિબિંબિત થાય છે.

 

એક ગરવા ગુજરાતીની સંસ્મરણકથાનું એવું જ ગરવું સંપાદન છે બીરેન કોઠારીનું. કૃષ્ણકાંત (કે. કે.) સંપાદન: બીરેન કોઠારી. પ્રકાશક: સાર્થક પ્રકાશન: ૩ રામવન ફલેટ્સ, નિર્માણ હાઈસ્કૂલ પાસે, નેહરૂ પાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ-૩૮૦૦૧૫. પૃષ્ઠ સંખ્યા-૩૦૪. કિં. રૂ. ૩૦૦/-

Review Published in:
કિતાબી દુનિયા (મુંબઇ સમાચાર, 2-6-13)
વર્ષા અડાલજા

Click on the Image to Zoom and Read more review…

kk-janmabhoomi