ઉપરથી આગ વરસતી હોય છતાં કેસરિયો ગુલમહોર ખીલી ઊઠે. એમ ઉનાળાની આ ગરમીનાં દિવસોમાં તૃપ્ત થવાય. એવું સુંદર પુસ્તક અત્યારે મારા હાથમાં છે, ‘ગાતા રહે મેરા દિલ.’ આ છે ફિલ્મી ગીતોની સફર કરાવતું પુસ્તક. સાહિર લુધિયાનવી, મજરૂહ સુલતાનપુરી, હસરત જયપુરી, કૈફી આઝમી જેવા આલા દરજ્જાના ગીતકારોનો જીવન આલેખ સાથે તેમનો ફિલ્મોગ્રાફ સાલવારી પ્રમાણે અહીં અંકિત છે.

 

આ જહેમત જેણે ઉઠાવી છે તે છે સલિલ દલાલ. ફિલ્મી ગીતોના અગણિત ઉપકારોને હૃદયપૂર્વક એમણે સલામ કરી છે. સમાજના છેક છેવાડે બેઠેલા અભણ અને ગરીબ મનુષ્યો સુધી મધુર સુરમાં પહોંચેલાં ફિલ્મી ગીતોએ કરોડો હૃદયોનેે કેવી શાતા પહોંચાડી છે. એની કલ્પના કરવા જેવી છે. આપણા જીવનના હર મોડ માટે, હર તહેવાર માટે, મનુષ્યના હરેક મૂડ અને લાગણી માટે ગીતો રચાયાં છે. ગીતોના શબ્દોનો કેવો જાદુ હતો કે થિયેટરની બહાર એ ફિલ્મની ચોપડી વેચાતી હતી અને લોકો હોંશે હોંશે ખરીદતા હતા.

 

આજે જાવેદ અખ્તર, ગુલઝારને એક ફિલ્મી ગીતનાં સારાં એવાં નાણાં મળે છે, પણ એક જમાનામાં મુનશીજી કહેવાતા શાયરને માનસન્માન ઓછાં મળતાં, લાંબા સમય સુધી રેડિયો પર ગીત વગાડતી વખતે કવિનું નામ ન બોલવાની પ્રથા હતી. સૌ જાણતા હશે કે ‘અય મેરે વતન કે લોગોં’ જ્યારે લતાજીએ ગાયું ત્યારે નહેરુએ પૂછવું પડેલું કે આ ગીતના લેખક કોણ છે?

 

અહીં સલિલે શબ્દનો મહિમા કર્યો છે અને કવિને પોંખ્યા છે. આ માતબર ડોક્યુમેન્ટેશનનું પુસ્તક છે. એક સાધારણ ‘મુનશીજી’ને સન્માનપૂર્વક શાયરનો દરજ્જો અપાવવામાં સાહિર જેવા ખુદ્દાર સર્જકનો મોટો ફાળો છે. ફિલ્મી સંગીત ઉપરાંત રાષ્ટ્રની કેટલી મોટી સેવા કરી છે! તેને અંજલિ આપતું આ પુસ્તક છે. ‘ગાતા રહે મેરા દિલ.’ પણ આ પુસ્તકમાં માત્ર શુષ્ક માહિતી નથી, કવિઓની અનેક હૃદયસ્પર્શી વાતો આલેખી છે. આમાં એવાં ઘણાં ક્લાસિક ગીતોની પ્રથમ પંક્તિ વાંચતાં જ વાચક અનાયાસે એ ગીત ગણગણવા લાગશે. ‘યે જિંદગી ઉસી કી હૈ,’ વાંચતાં જ કોના હૈયામાં નિજી પીડાની ટીસ ન ઊઠી હોય!

 

પુસ્તક પાછળની સંદર્ભસૂચિ જોતાં ખ્યાલ આવે કે આ પુસ્તક પાછળ કેટલો પરિશ્રમ કર્યો છે લેખકે! શબ્દ અને શબ્દકારના આંતરવિશ્ર્વની યાત્રાનું આ અનોખું પુસ્તક છે. અત્યંત સુઘડ મુદ્રણ અને ઉઠાવદાર કવર પેજ.

 

લે: સલિલ દલાલ – પ્રકાશક: સાર્થક પ્રકાશન. મુખ્ય વિક્રેતા:બુકશેલ્ફ, અમદાવાદ. પૃ.સં.: ૧૫૬, કિમત: રૂ. રપ૦.