kkફિલ્મ જોનારા ઘણા પ્રેક્ષકોના મનમાં ઊંડે ઊંડે રૂપેરી પરદે ચમકવાની લાલસા હોય છે. એ માધ્યમનો પ્રભાવ જ એવો છે. ફિલ્મ જોનારને આવી ઈચ્છા થતી હોય તો ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલા સૌ કોઈને આવી ઈચ્છા ન થાય તો જ નવાઈ. કયા અભિનેતાએ કહ્યું હતું એ યાદ નથી, પણ બહુ સાચી વાત કરેલી કે ફિલ્મલાઈનમાં આવનાર દરેકના મનમાં તમન્ના તો હીરો બનવાની જ હોય છે. ચાહે એ નાનામાં નાનો ક્લેપર બોય કેમ ન હોય! રાજ કપૂરે પોતાની કારકિર્દીનો આરંભ ક્લેપર બોયથી કરેલો અને પછી હીરો બનેલા. સુભાષ ઘાઈ પણ હીરો બનવા આવેલા અને દિગ્દર્શક બની ગયા. નિર્માતા બન્યા છતાંય એમની ફિલ્મના એકાદ દૃશ્યમાં એ દેખા દઈ દે છે.

એમ પણ જોવા મળ્યું છે કે હીરો બહુ સફળ રહે તો એ દિગ્દર્શક બનવાની ફિરાકમાં હોય છે. આમાં અમિતાભ બચ્ચન જેવા અપવાદ હોઈ શકે, બાકી તો આ યાદી ઘણી લાંબી થાય. ફિલ્મમાં ચમકવા માટે આવનારામાંથી ભાગ્યે જ કોઈક એવું હોય જે બહુ જલદી સમજી જાય કે પોતાનો શારિરીક બાંધો હીરો થવા જેવો નથી, પણ અભિનયનો શોખ હોય તો અભિનેતા અવશ્ય બની શકાશે. આ તથ્ય જેટલું ઝડપથી સમજાઈ જાય એટલું સારું. અભિનેતા કૃષ્ણકાન્તના કિસ્સામાં આમ જ બનેલું. તેમણે પહેલેથી જ ચરિત્ર ભૂમિકાઓ પર નજર દોડાવી. આનું પરિણામ શું આવ્યું?

એ.કે.હંગલ થી લઈને ઝકરીયા ખાન (જયંત) સુધીના એ ટુ ઝેડ ચરિત્ર અભિનેતાઓની યાદી તપાસીએ તો એ હકીકત જાણીને આશ્ચર્ય થયા વિના રહે નહીં કે આ બધામાં લાંબી અને વૈવિધ્યપૂર્ણ કારકિર્દી ભોગવનાર અભિનેતા કદાચ એક જ છે. છ દાયકામાં પથરાયેલી સભર કારકિર્દી ધરાવનાર એ વ્યક્તિ છે ચરિત્ર અભિનેતા કે.કે. એટલે કે કૃષ્ણકાન્ત એટલે કે મૂળ સુરતના વતની એવા કૃષ્ણકાન્ત મગનલાલ ભૂખણવાળા (કૃષ્ણકાન્ત નામધારી બીજા એક ચરિત્ર અભિનેતા પણ હતા, જેમનું મૂળ નામ હતું રૂપનારાયણ ચતુર્વેદી. આ કૃષ્ણકાન્ત ‘કે.કે.’ તરીકે જ ઓળખાયા, જે નામ તેમને નીતિનબાબુએ આપેલું.)

૧૯૪૨ થી આરંભાયેલી તેમની કારકિર્દીએ અનેક ઉતારચડાવ જોયા. નિતીન બોઝ જેવા જિનીયસ દિગ્દર્શકના સહાયકથી આરંભાયેલી તેમની સફરમાં અનેક મુકામ આવ્યા. નિતીનદાની ફિલ્મ ‘પરાયા ધન’ અને ‘મજદૂર’ ફિલ્મમાં સાવ નાની ભૂમિકાથી તેમની અભિનયસફર શરૂ થઈ. મશાલ’ (૧૯૫૦) માં તેમના ભાગે લાંબું દૃશ્ય આવ્યું, જે અદાલતનું હતું. ત્યારથી એમને અભિનયક્ષેત્રે પાછું વાળીને જોયું નથી. અનેક નોંધપાત્ર ચરિત્ર ભૂમિકાઓ તેમણે નિભાવી. હિંદી ફિલ્મોની સર્વાધિક લોકપ્રિય સ્ટારત્રિપુટી રાજ (કપૂર), દેવ (આનંદ) અને દિલીપ (કુમાર)થી લઈને ત્યાર પછીની પેઢીના સુપરસ્ટાર રાજેશ ખન્ના, અમિતાભ સાથે અને છેક મિથુન ચક્રવર્તી, સંજય દત્ત અને ગોવિંદા સુધીના સ્ટાર સાથે તેમણે ફિલ્મો કરી. ફણી મજમુદાર, અમીય ચક્રવર્તીં, ગ્યાન મુખરજી, પ્યારેલાલ સંતોષી, બીમલ રોય, રાજ કપૂર, શકિત સામંત, રવિન્દ્ર દવે જેવા પ્રભાવશાળી અને સફળ નિર્માતાઓના તે પ્રિય અભિનેતા બની રહ્યા.